(Source: ECI/ABP News/ABP Majha)
ખોડિયાર માતા બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ભક્ત ગોરા કુંભાર વિશે કરી અભદ્ર ટિપ્પણી, પ્રજાપતિ સમાજે કરી આ માંગ
ધાર્મિક બાબતનું કોઈ જ્ઞાાન જ ન હોય છતાં વ્યાસપીઠ પર બેસીને સ્વામિનારાયણ સંપ્રદાયના આ સ્વામી દેવીદેવતા અને દરેક સમાજના સંતો,ભક્તોની મજાક ઉડાવતા આવ્યા છે.
Rajkot: થોડા સમય પહેલા ખોડિયાર માતાજી વિષે અભદ્ર ટીપ્પણી કરીને લાખો ભક્તોની લાગણી દુભાવનાર અને રેલો પગ નીચે આવતા માફી માંગનાર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ફરી જીભ પર કાબુ ગુમાવ્યો હતો. ભક્ત ગોરા કુંભાર વિષે તદ્દન હલકી અને ગંદી ભાષામાં વર્ણન કરતો વીડિયો વાયરલ થતા સમગ્ર પ્રજાપતિ સમાજ અને હિન્દુ રોષે ભરાયો છે. પ્રજાપતિ સમાજ રાજકોટ કલેકટર પાસે કડક પગલાં લેવા માંગણી કરી હતી. ખંભાળિયા સહિતના જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું, સ્વામીને કાયદાનું ભાન કરાવવા માટે પણ પ્રજાપતિ સમાજે માંગ કરી હતી.
રાજકોટના પ્રજાપતિ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું કે આ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાના વક્તવ્યમાં સામાન્ય કુંભારણ સ્ત્રી અને ગોરાકુંભારના રૂમમાં સુવા બાબતનું વર્ણન કરીને પોતાની હલકી માનસિકતા છતી કરી છે. ધાર્મિક બાબતનું કોઈ જ્ઞાાન જ ન હોય છતાં વ્યાસપીઠ પર બેસીને સ્વામિનારાયણ સંપ્રદાયના આ સ્વામી દેવીદેવતા અને દરેક સમાજના સંતો,ભક્તોની મજાક ઉડાડતા આવ્યા છે. બ્રહ્મસ્વરૂપને બોલવાની કોઈ ભાન નથી એ અપમાનજનક ભાષામાં ભગવાન, માતાજી, ભક્તો વિષે મર્યાદા નેવે મુકીને બફાટ કરતા રહે છે અને તદ્દન જુઠી વાતો કરે છે જેનાથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે તેમ કહીને આ સ્વામી સોશ્યલ મિડીયા સમક્ષ માફી માંગે અને સાથે કાયદાની જોગવાઈ મૂજબ આ સ્વામી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા નિકુંજ પ્રજાપતિ સહિત આગેવાનોએ રજૂઆત કરી હતી.
સાંસદ રામ મોકરિયાએ પણ આપ્યું નિવેદન
રાજકોટના સાંસદ રામ મોકરિયાએ બ્રહ્મસ્વરૂપ સ્વામીને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હિન્દુ સમાજમાં ભાગ ન પડે તે સંતોએ જોવું જોઈએ, સ્વામિનારાયણ સંતોને વિનંતી કે કોઈ વિશે ટીકા ટિપ્પણીના કરવી જોઈએ. કોઈ સમાજ વિશે સ્વામિનારાયણ સંતો દ્વારા આવી ટીકા ના કરવી જોઈએ. વારંવાર આવી ભૂલ ના થવી જોઈએ, આવી ભૂલો ના થાય તે ધ્યાન રાખવું જોઈએ. સંતોએ બેઠક કરવી જોઈએ સાથે મળી સ્વીકાર્ય રસ્તો કાઢવો જોઈએ. પ્રજાપતિ સમાજ પણ આપણા સમાજનો અંગ છે, હિન્દુ સમાજે એક થવાની જરૂર છે. હિન્દુમાં ભાગલા ના પાડવા જોઈએ.
ગોરા કુંભાર વિષે અભદ્ર ભાષામાં બફાટ કર્યા પહેલા બ્રહ્મસ્વરૂપ સ્વામિએ ખોડિયાર માતાજી વિષે બફાટ કરતા ખોડલધામ અને માટેલ ધામ સહિત સંસ્થાઓએ ઉગ્ર પ્રતિક્રિયા આપીને કડક પગલા લેવા તૈયારી કરતાઆ સ્વામીએ બાદમાં પોતે વીડીયો બનાવીને માફી માંગવી પડી હતી.