ભાજપના ધારાસભ્યનો ગૃહમંત્રીને પત્ર, પોલીસ કમિશનર પર રૂપિયા વસૂલવાના લાગાવ્યા ગંભીર આરોપ
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર સામે રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે.
રાજકોટ: રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર સામે રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલનો આરોપ છે કે પોલીસ કમિશનર ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી લઈ રહ્યા છે. ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યો છે કે એક અરજદાર પાસેથી 75 લાખ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા છે અને હજુ 30 લાખની વસૂલી કરવામાં આવી રહી છે.
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ તંત્રમાં હડકંપ મચાવે તેવો હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. તેમણે એક ફરિયાદીની FIR ન ફાડી તેની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી 15 ટકા હિસ્સો માગ્યો હોવાનો આરોપ મુકયો છે. આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું, સવિનય જણાવવાનું કે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની કામગીરીથી આપને મેં વાકેફ કરેલ છે તેઓશ્રી કોઇ મવાલી ગુંડા લોકો જે રીતે કોઇની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બનેલ છે પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના શ્રી મહેશભાઇ સખીયાએ કરેલ છે તેમની સાથે આઠેક માસ પહેલા આશરે 15 કરોડનું ચીટીંગ થયેલ જે અંગેની એફ.આઇ.આર. નહિ ફાડીને મહેશભાઇ પાસેથી ઉઘરાણીનાજે પૈસા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્સો માંગેલ અને તે પ્રમાણે ક્રાઇમબ્રાય કાર્યવાહી કરીને સાતેક કરોડની વસુલાત કરેલ જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરશ્રીએ તેના પી.આઇ. મારફતે વાસુલેલ અને બાકીના 30 લાખની ઉધરાણી જે તે પી.આઇ ફોનથી કરી રહ્યા હતા જે રકમ આવેલ નથી અને ત્યાર બાદ આપના પાસે ફરિયાદ થતા એફ.આઇ.આર. દાખલ થયેલ અને બે આરોપીને પકડેલ પણ ખરા એક આરોપી ભાગતો ફરે છે જેને આજ રકમમાંથી એક ફલેટ લીધેલ છે . આમ પોલીસ કમિશનરશ્રી આવા ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે જે આપની જાણ માટે . આ અંગેની આપને આપેલ ફરિયાદ પછી અને એફ.આઇ.આર ફાડ્યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી તેમજ તેમને લીધેલ 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલા ભરો તેવી વિનંતી સહ.