(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: રંગીલા રાજકોટના લોકમેળાનું નામ 'ધરોહર' રાખવામાં આવ્યું
વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. રાજકોટના લોકમેળાનું ચાલુ વર્ષે ધરોહર નામ અપાયું છે.
રાજકોટ: વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. રાજકોટના લોકમેળાનું ચાલુ વર્ષે ધરોહર નામ અપાયું છે. વર્ષોથી રાઈડ્સ રાખનારાઓએ હરાજીમાં ભાગ ન લીધો. જોકે ખાનગી મેળા ધારકે 1 કરોડ 27 લાખમાં 31 પ્લોટ ખરીદ્યા હતાં. ચાલુ વર્ષે અગાઉના વર્ષો કરતા ઓછી રાઈડ્સ અને સ્ટોલ સાથે મેળો યોજાશે. 24થી 28 ઓગસ્ટ 2024 સુધી યોજાનારા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડતા હોય છે.
એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વધારવામાં આવ્યા
આ વખતે પ્રથમ વખત લોકમેળામાં રાઈડોનો NDT રિપોર્ટ, ફાઉન્ડેશન અને ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નિયમોનું પાલન કરાવાશે. બીજી તરફ લોકમેળામાં પીજીવીસીએલ તરફથી અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે. આ સાથે જ દરેક સ્ટોલ ઉપર સીસીટીવી અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વધારવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 3 વખત હરાજી બાદ પણ કોઈએ ભાગ લીધો ન હતો. જેથી ચકડોળ વગરનો મેળો યોજાવાનો ડર હતો. વહિવટી તંત્ર દ્વારા ખાનગી મેળાના આયોજકોને આમંત્રિત કરવામાં આવતા ખાનગી મેળા સંચાલકે 1.27 કરોડમાં 31 પ્લોટ ખરીદવા બોલી લગાવી હતી.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીમાં યોજાનારા લોકમેળામાં એક સાથે તમામ મોટી રાઇડસની ખરીદી કરતા વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે લોકો ગ્રીનલેન્ડ ચોકડી અને નાનામવા સર્કલ પાસે ખાનગી મેળાનું આયોજન કરીએ છીએ. જોકે આ વખતે રાજ્ય સરકારની કડક ગાઈડ લાઈનના કારણે કોઈએ હરાજીમાં ભાગ ન લેતા ખાનગી મેળા સંચાલકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેથી અમે યાંત્રિક રાઈડસની હરાજીમાં ભાગ લીધો હતો.જેમાં 31 મોટી રાઇડસની પ્રાઈઝ રૂ. 1.18 કરોડ હતી. જોકે બોલી લગાવતા 1.27 કરોડમાં 31 પ્લોટ મળ્યા છે. આ વખતે પ્રથમ વખત રેસકોર્સ મેદાનમા લોકમેળામાં રાઇડસ રાખશું અને NDT રિપોર્ટ, ફાઉન્ડેશન અને ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નિયમોનું પાલન કરશું.
સાતમ આઠમ પર લોકમેળાનું આયોજન થાય છે
સૌરાષ્ટ્રમાં કૃષ્ણજન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. રાજકોટમાં અતિ ભવ્ય અને વિશાળ લોકમેળાનું શ્રાવણ મહિનામાં સાતમ આઠમ પર આયોજન થાય છે. દર વર્ષે લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી લોકો ઉમટી પડે છે.