Rajkot Onion: રાજકોટ યાર્ડનો ખેડૂતોના હિતલક્ષી નિર્ણય, વેચાણ માટે હવે દરરોજ યાર્ડમાં આટલી ગાડીઓ આવી શકશે
છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઇને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે, કેટલાક દિવસોથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે, અને બીજીબાજુ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ પણ કપાયા છે
![Rajkot Onion: રાજકોટ યાર્ડનો ખેડૂતોના હિતલક્ષી નિર્ણય, વેચાણ માટે હવે દરરોજ યાર્ડમાં આટલી ગાડીઓ આવી શકશે Rajkot Onion News: only 100 Onion truck will be entered in the rajkot marketing yard over the onion issue Rajkot Onion: રાજકોટ યાર્ડનો ખેડૂતોના હિતલક્ષી નિર્ણય, વેચાણ માટે હવે દરરોજ યાર્ડમાં આટલી ગાડીઓ આવી શકશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/3034bfdb673d9b315b5c6c06c46fa24a170270287370777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot Onion News: છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઇને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે, કેટલાક દિવસોથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે, અને બીજીબાજુ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ પણ કપાયા છે, આ બધાની વચ્ચે ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઇ છે. દિવસે દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે. હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસની 100 ગાડીઓને જ એન્ટ્રી આપવમાં આવશે. માહિતી છે કે, હાલમાં ડુંગળીની આવકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી દરરોજ ૧૦૦ ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે.
ડુંગળીના ઘટતા ભાવ મુદ્દે ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ખેડૂતોએ કર્યો હતો વિરોધ
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ઘટતા ડુંગળીના ભાવની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ માર્કેટ યાર્ડ બહાર સતત બીજા દિવસે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પોલીસે 10 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. ગોંડલ માર્કેટ યાર્ડ અંદર અને બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તાત્કાલિક ડુંગળીની નિકાસને છૂટ આપવાની ખેડૂતો અને વેપારીઓએ માંગ કરી હતી.
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ આજે ફરી ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. હાલમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. સરકારના નિર્ણય બાદ પહેલા ખેડૂતોએ શાંતિપૂર્ણ માહોલમાં વિવિધ પ્રકારે રજૂઆતો કરી પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે વિરોધ આક્રમક બન્યો છે અને હવે સૌરાષ્ટ્રમાં આ વિરોધની આગ ફેલાઈ રહી છે.
ગઈકાલે રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આજે ફરી ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ વિરોધ નોંધાવી આંદોલનને ઉગ્ર બનાવ્યુ છે. ગોંડલ યાર્ડમાં વિરોધ પ્રદર્શન સમયે 10 જેટલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ દોડતી થઈ અને તાત્કાલિક ચીમકી ઉચ્ચારનાર ખેડૂતોની અટકાયત કરી હતી. તો ખેડૂતોના વિરોધના કારણે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો થયો હતો. ગોંડલ વેપારી એસોસિએશનના પ્રમુખ યોગેશ ક્યાડાએ તાત્કાલિક પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી.
અમરેલીની સાવરકુંડલા APMCમાં જાહેર હરાજી બંધ કરાતા ખેડૂતો રઝળ્યા હતા. ધર્મકુળ કોટનના પ્રોપ્રાઈટર ઘનશ્યામભાઈ ધડુકને ખેડૂત સાથે અસભ્ય વર્તનના આરોપમાં માર્કેટિંગ યાર્ડના ઇસ્પેકટરે નોટિસ ફટકારી હતી. ત્યારે વેપારીને નોટિસ ફટકારાતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળ ખેડૂતોનું દર્દ ન સમજ્યુ અને દાદાગીરીથી યાર્ડની હરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં આખી રાત યાર્ડ બહાર ઉજાગરો કરનાર ખેડૂતો રઝળી પડ્યા હતા.
ડુંગળીના ભાવ અને ખેડૂતના વિરોધને લઇને, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું?
સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે ગયા હોવાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને લઇને ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનું નિવેદન આપ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડુંગળીનો મુદ્દો ઉઠ્યો હતો. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે. આ મુદે પૂછેલા સવાલના જવાબમાં નરેશ પટેલે જણાવ્યું કે, ખેડૂતોની પરિસ્થિતિ હાલ વિકટ છે. સરકારે વહેલી તકે ખેડૂતોના હિત માટે નિર્ણય લેવો જોઇએ.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે 8 ડિસેમ્બરે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ આવતા વર્ષે 31 માર્ચ સુધી અમલમાં છે. જેના કારણે હાલ ડુંગળીના ભાવ તળિયા જતાં ખેડૂતોને ગરીબોની કસ્તૂરી ડુંગળી રડાવી રહી છે. ખેડૂતોને ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો ઠેર ઠેર સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે.
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે પ્રતિક્રિયા
ખેડૂતના ડુંગળી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આપી છે. તેમના કહેવા અનુસાર સરકારના ચાવવાના અને બતાવવાના દાત અલગ છે. એક બાજુ સરકાર 2022 માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા સરકારે નિકાસબંધી કરી દીધી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી દીધી હતી.
જ્યારે તુવેરના ભાવ સારા મળતા હતા ત્યારે મ્યાનમારથી તુવેર આયાત કરી હતી. ગયા વર્ષે ઘઉંના ભાવ સારા મળતા થયા સરકારે પોતાના ગોડાઉનમાં રહેલા ઘઉં માર્કેટમાં મુક્યા હતા. વર્ષ 2021-22 માં કઠોળના ભાવ સારા મળતા થયા સરકારે 1.5 લાખ મેટ્રિક તન કઠોળની આયાત કરી હતી. વર્ષ 2020-21 માં જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ સરકારે 5 લાખ મેટ્રિક ટન આયાત કરેલી ડુંગળી માર્કેટમાં મૂકી હતી.આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)