(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: પ્રોફેસર પુત્ર માતાને અગાસી પર લઈ ગયો ને ધક્કો મારીને કરી દીધી હત્યા, જાણો કઈ રીતે ફૂટ્યો ભાંડો ?
જામનગરમાં એજયુકેશન ઈન્સ્પેકટર તરીકે નિવૃત થયેલા જયશ્રીબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હતી. એક પુત્રી રાજકોટ પરણાવેલી હતી. પુત્ર સંદિપ રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર નાણાંવટી ચોક પાસે દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં પત્ની અને પુત્રી સાથે રહેતો હતો
રાજકોટઃ રાજકોટમાં સગી માતાને પોતાના એપાર્ટમેન્ટની અગાસી પરથી લઈ જઈ નીચે ધક્કો મારી ઠંડે કલેજે હત્યા કરનારા આરોપી પ્રોફેસર પુત્ર સંદિપ વિનોદભાઈ નથવાણીને એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પી.એન.દવેએ આજીવન કારાવાસની સજા ફટકારી છે. ઓપરેશન કરાવવાને કારણે પથારીવશ વૃધ્ધ માતા બોજારૂપ લાગતાં સગા પુત્રે માતાની હત્યા કરી નાંખી હતી.
આ કેસની વિગત એવી છે કે, જામનગરમાં એજયુકેશન ઈન્સ્પેકટર તરીકે નિવૃત થયેલા જયશ્રીબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હતી. એક પુત્રી રાજકોટ પરણાવેલી હતી. પુત્ર સંદિપ રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર નાણાંવટી ચોક પાસે દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં પત્ની અને પુત્રી સાથે રહેતો હતો અને પ્રોફેસર તરીકે નોકરી કરતો હતી. જયશ્રીબેનને બ્રેઈન હેમરેજ થતાં સારવાર માટે જામનગરથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા.
રાજકોટમાં તેમનું ઓપરેશન થયા બાદ રીકવરીમાં લાંબો સમય લાગશે તેમ ડોક્ટરોએ કહ્યું હતું. જયશ્રીબેનને પુત્ર સંદિપ પોતાના ફલેટમાં રહેવા લઈ ગયો હતો. જયશ્રીબેનની મોટી પુત્રી પણ તેમની સેવા કરતી હતી. જો કે તેઓ કોઈના ટેકા વગર ચાલી કે કોઈ કામ કરી શકતા ન હતા. મગજની સ્થિતિ પણ સારી ન હોવાથી સ્વભાવ ચિડીયો થઈ ગયો હતો. આ કારણે પુત્ર સંદિપ કંટાળી ગયો હતો અને તેણે માતાની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું.
આ યોજના અંતર્ગત તે 27 સપ્ટેમ્બર, 2017ના રોજ માતા જયશ્રીબેનને આગળ રાખી પાછળથી પોતાનો શરીરનો ટેકો આપી ધકકા મારી અગાસી સુધી લઈ ગયો હતો. એક માળ ચડયા બાદ થાકી જતાં એપાર્ટમેન્ટમાં રહેતા પિતા-પુત્રને મદદ માટે બોલાવી માતા જયશ્રીબેનને અગાસીએ લઈ જઈ ખુરસી પર બેસાડી દીધા હતા. ત્યાર બાદ તેણે ચોથા માળેથી નીચે ફેંકી ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી.
ઘટનાના ત્રણેક માસ બાદ સીસીટીવી ફુટેજના આધારે આ હત્યાનો રહસ્યફોટ થયો હતો. ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી સંદીપની ધરપકડ કરી ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસ ચાલી જતા બન્ને પક્ષોની દલીલો, રજુઆતો ધ્યાને લઈ, પુરાવા તપાસી અદાલતે આરોપી પુત્ર સંદિપને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.