રાજકોટમાં જૂન મહિનામાં વરસાદે પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો, 8.49 ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના ન હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં જુન મહિનામાં વરસેલા વરસાદે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. રાજકોટમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 8.49 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જે છેલ્લા પાંચ વર્ષમાં જુન મહિનામાં વરસેલા વરસાદથી સૌથી વધુ છે. રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષનો જુન મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. ચાલુ વર્ષનો વરસાદ પણ સારો રહેશે.
આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2017ના જૂન મહિનામાં 194 એમએમ એટલે કે 7.76 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે ચાલુ જુન માસની 25 તારીખની સરખામણીએ 8.49 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો રાજકોટમાં જુન 2016માં 0.72 ઈંચ, જુન 2017માં 7.76 ઈંચ, જુન 2018માં 2.48 ઈંચ, જુન 2019માં 2.4 ઈંચ, જુન 2020માં 2.36 ઈંચ તો આ વર્ષે જુન મહિનામાં અત્યાર સુધીમાં રાજકોટમાં 8.49 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના ન હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
જોકે, રાજ્યમાં વરસાદની માહોલ યથાવત રહેશે, તેવું હવામાન વિભાગનું અનુમાન છે. રાજ્યમાં ત્રણ દિવસ કચ્છમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ ગાંધીનગર વડોદરા સહીત હળવા વરસાદી ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. પોરબંદર, જામનગર, જૂનાગઢમાં હળવા વરસાદની સંભાવના છે. મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની સંભાવના છે.
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ જામ્યું છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુરૂવારે સવારના છથી સાંજે છ વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો પંચમહાલા હાલોલમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં ત્રણ ઈંચ, ખેડા-નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ સિવાય અન્ય જ્યાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો.તેમાં વાલિયા, વાસો, ચિખલી, ખંભાત, ખેરગામ, વાંસદા, કપડવંજ, ગણદેવી, ફતેપુરાનો સમાવેશ થાય છે.રાજ્યના કુલ 24 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગાીમ પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના નહીંવત છે. અને માત્ર સામાન્ય વરસાદ વરસી શકે છે.