Rajkot: બંગલામાં ભેગા થઇને દારૂની મહેફિલ માણતા 6ને પોલીસે ઝડપ્યા, BMW લઇને આવ્યા હતા પાર્ટી કરવા
રાજકોટ પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે, પોલીસે પોતાની કાર્યવાહી દરમિયાન ફરી એકવાર દારૂની મહેફિલ પકડી પાડી છે.
Rajkot: રાજકોટ પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે, પોલીસે પોતાની કાર્યવાહી દરમિયાન ફરી એકવાર દારૂની મહેફિલ પકડી પાડી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરની ભાગોળે આવેલા મોટા વડા રિસોર્ટમાંથી છ યુવાનોની ધરપકડ કરવામા આવી છે, ખરેખરમાં, વાત એમ છે કે, પોલીસે બાતમીના આધારે શહેરની મોટા વડા રિસૉર્ટમાં આવેલા અનામ ઘુઘરા વાળા બંગલામાં દારૂની મહેફિલ ચાલતી હતી, પોલીસે આ કાર્યવાહી દરમિયાન 6 યુવાનોને રંગે હાથ દારુની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા, આ ઉપરાંત પોલીસે અહીંથી બી.એમ.ડબલ્યુ કાર સહિતની બે કાર પણ કબજે કરી હતી.
આ પહેલા મંત્રી રાઘવજી પટેલ પણ અભિષેક કરવાને બદલે ગટગટાવી ગયા દેસી દારૂ -
જિલ્લાના ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરી માં કરવામાં આવી હતી. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારુથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી આદિજાતિ વિસ્તાર ચાલતી આવે છે. આ દરમિયાન મંત્રી રાઘવજી પટેલથી એક ભૂલ થઈ ગઈ હતી. જેની ચર્ચામાં હાલમાં ખુબ થઈ રહી છે.
આજે દેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી પહેલા રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિત મહાનુભાવોને દેશી દારુ પૂજા માટે આપ્યો હતો. જોકે કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોઈ ભૂલમાં આ દારુનો પડીયો ચરણામૃત સમજી મોઢે માંડી દીધો હતો. ત્યારબાદ બાજુમાં ઉભેલા માજી વન મંત્રી મોતીસિંહ વસાવાએ મંત્રીને કહ્યું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાય હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
રાજકોટ LCBની મોટી કાર્યવાહી
શહેરમાં પોલીસની ટીમે એક મોટા ગુનાનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં વિદેશી દારુના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી છે. આજે રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે અચાનક દરોડા પાડીને લગભગ 7 લાખની કિંમતના વિદેશી દારુના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. રાજકોટમાં આજે રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે બૂટલેરો સામે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન શહેરના વીંછીયા પાળીયાદ રોડ પરથી પસાર થઇ રહેલી એક પીકઅપ વાનને રોકી હતી, આ પીકઅપ વાનમાં બે શખ્સો દ્વારા વિદેશી દારુની હેરાફેરી કરવામાં આવતી હતી. વીંછીયા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા પણ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. વીંછીયા પાળીયાદ રોડ પરથી બૉલેરો પીકઅપ વાનમાંથી વિદેશી દારુની 743 બૉટલો મળી આવી હતી. કાર્યવાહીમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 743 બૉટલ અને પીકઅપ વાન કુલ 7.82.130 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, આ સાથે જ રાજકોટ ગ્રામ્ય LCB બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.