Rajkot: પરસોત્તમ રૂપાલાનો દાવો- મોહન કુંડારીયા ડમી તરીકે ભરશે ફોર્મ, ઉમેદવાર બદલવાની ચર્ચાને લઈ પણ શું આપ્યો જવાબ
Rajkot: ક્ષત્રિય સમાજનો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે.
![Rajkot: પરસોત્તમ રૂપાલાનો દાવો- મોહન કુંડારીયા ડમી તરીકે ભરશે ફોર્મ, ઉમેદવાર બદલવાની ચર્ચાને લઈ પણ શું આપ્યો જવાબ Rajkot: Union Minister Parasottam Rupala held a press conference amid protests from the Kshatriya community Rajkot: પરસોત્તમ રૂપાલાનો દાવો- મોહન કુંડારીયા ડમી તરીકે ભરશે ફોર્મ, ઉમેદવાર બદલવાની ચર્ચાને લઈ પણ શું આપ્યો જવાબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/01/e21fe3f224b350c308e15957a6814d67171195567243174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot: ક્ષત્રિય સમાજનો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે. વિવાદ વચ્ચે રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે તેમની ઉમેદવારીને લઇને કોઇ વિવાદ નથી. તેમણે કહ્યું હતું કે મોહન કુંડારીયા ઉમેદવાર તરીકે નહીં ડમી તરીકે ફોર્મ ભરશે. મે ક્ષત્રિય સમાજની માફી માંગી છે,ક્ષત્રિયો મને માફ કરશે. ત્રણ અને ચાર તારીખે રૂપાલા સરકારી કામે દિલ્હી જશે. દલિત સમાજ માટે કોઈપણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી ન કર્યાનો તેમણે દાવો કર્યો હતો.
'હું એક દિવસ દિલ્હી જઇશ'
તેમણે કહ્યું હતું કે મને દિલ્હીથી કોઇ તેડું આવ્યું નથી. હું એક દિવસ માટે દિલ્હીના પ્રવાસે જઇશ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જઇશ. રૂપાલાએ કહ્યું કે મે ત્રણ અને ચાર એપ્રિલ અનામત રાખેલી છે. ત્રીજી અને ચોથી એપ્રિલના રોજ હું કેન્દ્ર સરકારના કામે દિલ્હી જઈશ. ઉમેદવાર બદલવા અંગેના સવાલો પર રૂપાલાએ કહ્યું હતું કે ઉમેદવાર બદલવાના અધિકાર કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ પાસે છે. મોહન કુંડારીયા ડમી તરીકે ઉમેદવારી પત્રક ભરશે. મોહન કુંડારીયા રાજકોટ બેઠક પર ડમી ઉમેદવાર બનશે. મે કરેલી શાબ્દિક ભૂલની માફી માંગી લીધી છે. મને માફ કરવાની ક્ષત્રિય સમાજે હૈયાધારણા આપી છે. ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે હું વધુ કઈ કહેવા માંગતો નથી.
સમાજોને પોતાની વાત કરવાનો અધિકાર છે
વધુમાં રૂપાલાએ કહ્યું હતું કે સમાજોને પોતાની વાત કરવાનો અધિકાર છે. ક્ષત્રિય સમાજ મુદ્દે જે પણ વિરોધ હોય તે માત્ર મારો છે. ક્ષત્રિય ધર્મ મુજબ મને ક્ષત્રિયો માફ કરશે. દલિત સમાજ વિરૂદ્ધ મારી કોઈ કોમેન્ટ નહોતી. મે દલિત સમાજનું કોઈ અપમાન કર્યુ નથી.
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાએ મોટી જાહેરાત કરી હતી. આ અઠવાડિયાના અંતમાં મહાસંમેલન બોલાવવાની તેમણે જાહેરાત કરી હતી. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે અમે ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે. છ કે સાત એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)