Rajkot : ઉપલેટાની સ્કૂલમાં એક સાથે 12 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતાં મચ્યો ખળભળાટ
જિલ્લાના ઉપલેટાની મધર પ્રાઇડ સ્કૂલમાં એક સાથે 12 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક બાળકીનો ટેસ્ટ કરાવ્યા બાદ અન્ય બાળકોનો ટેસ્ટ કરતા એક સાથે 12 વિદ્યાર્થીઓને કોરોના આવ્યા હતા.

રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવા કોરોના સંક્રમણ વકરી રહ્યું છે. બીજી તરફ સ્કૂલોમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત બની રહ્યા છે. જિલ્લાના ઉપલેટાની મધર પ્રાઇડ સ્કૂલમાં એક સાથે 12 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક બાળકીનો ટેસ્ટ કરાવ્યા બાદ અન્ય બાળકોનો ટેસ્ટ કરતા એક સાથે 12 વિદ્યાર્થીઓને કોરોના આવ્યા હતા.
જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ કૈલાએ આઠ દિવસ માટે સ્કૂલ બંધ કરવાના આદેશ આપ્યા છે. રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ વિદ્યાર્થીઓમાં કોરોનાનાનું સંક્રમણ વધ્યું છે.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા હોવાની સત્તાવાળા દ્વારા ચેતવણી અપાય છે પણ વાસ્તવમાં કોરોનાના વધી રહેલા કેસોને જોતાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોય એવું છે.
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને 21 ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં ચાર મોટાં શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પૈકી ગુજરાતના 6 જિલ્લા આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગરમાં કોરોનાના કેસો સતત વધ્યા છે. આ છ જિલ્લામાં સતત વધતા કોરોનાના કેસ લોકોની પણ ચિંતા વધારી રહ્યા છે.
સત્તાવાર રીતે પ્રાપ્ત આંકડા પ્રમાણે 21 ડીસેમ્બરથી 27 ડિસેમ્બર વચ્ચે આણંદમાં કોરોનાના નવા 28 કેસ, ગાંધીનગરમાં કોરોનાના નવા 16 કેસ, કચ્છમાં કોરોનાના નવા 23 કેસ, ખેડામાં કોરોનાના નવા 26 કેસ, વલસાડમાં કોરોનાના નવા 33 કેસ, નવસારીમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં હજુ કેટલાક જિલ્લામાં કોરોનાના કેસ નથી આવ્યા પણ લોકો સતર્ક ના રહે તો આ જિલ્લાઓમાં પણ આગામી સમયમાં કેસો આવી શકે છે. લોકોએ પોતાની જવાબદારી સમજીને ચુસ્તપણે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.
રાજ્યમાં રાજકીય અને સામાજિક કાર્યક્રમો, રેલીઓ અને માસ્ક વિના લોકોના મેળાવડાના પરિણામે કોરોનાના કેસ વધી રહ્યા છે છતાં હજુ પણ આ પ્રકારના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાતો નથી એ આશ્ચર્યજનક છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 631 , સુરત કોર્પોરેશનમાં 213, વડોદરા કોર્પોરેશનમાં 68 , રાજકોટ કોર્પોરેશનમાં વલસાડ 40, રાજકોટ કોર્પોરેશનમાં 37, આણંદ 29, ખેડા 24, રાજકોટ 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, ભાવનગર કોર્પોરેશનમાં 17, ભરુચ 16, નવસારી 16, અમદાવાદ 13, મહેસાણા 12, મોરબી 12, સુરત 12, કચ્છ 11, ગાંધીનગર 10, જામનગર 9, જામનગર કોર્પોરેશન 8, વડોદરા 7, મહીસાગર 6, ગીર સોમનાથ 5, સાબરકાંઠા 4, અમરેલી 3, સુરેન્દ્રનગર 3, તાપી 3, દેવભૂમિ દ્વારકા 2, અરવલ્લી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, દાહોદ 1, જૂનાગઢ 1 અને પોરબંદરમાં 1 નવો કેસ નોંધાયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
