સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં 4 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર, જાણો વધુ વિગતો
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હવે શહેરો અને ગામડાઓ સતર્ક બન્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હવે શહેરો અને ગામડાઓ સતર્ક બન્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાર દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. આ દરમિયાન બજારમાં તમામ દુકાનો બંધ જોવા મળી હતી. કોરોના સંક્રમણને અટકાવવા અને જીત મેળવવા ઉપલેટા શહેર સમર્થનમાં આવ્યું છે. ઉપલેટા શહેરમાં વધી રહેલા કોરોના કેસોને લઈ શહેરની તમામ બજારોના વેપારીઓ દ્વારા 4 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું છે. ઉપલેટાના પાનના ગલ્લા સહિતની તમામ વેપારીઓ દુકાનો બંધ રાખવાના સ્વૈચ્છિક નિર્ણયમા જોડાયા છે.
રાજકોટના દાણાપીઠના વેપારીઓએ આજે બપોર પછી લોકડાઉન કર્યું છે. અહીં અનાજ કઠોળ અને મસાલા સહિતની વસ્તુ લેવા રાજકોટ શહેર અને જિલ્લામાંથી લોકો આવતા હોવાથી ભારે ભીડ હોય છે. 250 કરતા પણ વધુ વેપારીઓ લોકડાઉનમાં જોડાયા છે.
કોરોનાના સંક્રમણની ચેન તોડવા અને વધતુ સંક્રમણ અટકાવવા એપીએમસી (APMC) અમદાવાદએ મોટો નિર્ણય લીધો છે. શુક્રવાર સાંજે આઠ વાગ્યાથી રવિવાર સાંજે આઠ વાગ્યા સુધી જમાલપુર માર્કેટ બંધ રાખવામાં આવશે. એપીએમસી વાસણા માર્કેટ પણ શનિવાર અને રવિવાર બંધ રહેશે.
પાટણ જિલ્લાનું બાલીસણા ગામમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. પાટણ જિલ્લાનું સૌથી મોટું બાલીસણા ગામની બજારો બપોર પછી બંધ છે. બાલીસણા ગામ બપોરે 2 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. આગામી 10 દિવસ માટે બજારો બપોર બાદ સજ્જડ બંધ રહેશે.
જામજોધપુર પંથકમાં વધતા જતા કોરોના કેસોના પગલે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ 15 એપ્રિલથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. વેપારી વેપારી એસોસિએશન અને કમિશન એજન્ટ દ્વારા યાર્ડના સેક્રેટરીને પત્ર લખી યાર્ડ બંધ રાખવાની માગણી કરાઈ હતી.