(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: જેતપુરના જેતલસરના સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી
એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને છરીના 36 ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપી જયેશ સરવૈયાને જેતપુર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના જેતલસર ગામના સૃષ્ટી રૈયાણીની હત્યામાં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને છરીના 36 ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપી જયેશ સરવૈયાને જેતપુર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. અદાલતે નરાધમને તકસીરવાન ઠેરવી અને ફાંસીની સજા આપી છે.
જેતપુર તાલુકાના જેતલસર ગામે 16 માર્ચ 2021 ના ધોળે દિવસે એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ રૈયાણી નામની 16 વર્ષીય સગીરા પર છરી વડે તૂટી પડી 36 ઘા ઝીંકયા હતા. અને તેને બચાવવા વચ્ચે પડેલા નાનાભાઇ પાંચ ઘા ઝીંકયા હતા.
શું હતો સમગ્ર કેસ જાણો
16 માર્ચ 2021 ના રોજ જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણી નામની ધોરણ 11 માં અભ્યાસ કરનારી વિદ્યાર્થીને જયેશ ગીરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના 34 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા. તો સાથે જ સૃષ્ટિના ભાઈ હર્ષ ને પણ છરીના પાંચ જેટલા ઘા ઝીંકવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.
સૃષ્ટિ રૈયાણીની હત્યા થતા જે તે સમયે આ કેસ ન માત્ર રાજકોટ જિલ્લામાં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ચકચારી બન્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મામલે તંત્રને આવેદનપત્ર આપી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં તેમજ આરોપીને કડકમાં કડક સજા આપવાની માગણી પણ કરવામાં આવી હતી.
સમગ્ર કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જનક પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જનક પટેલ જે તે સમયે એક તબીબની જુબાની લેવડાવી હતી. જે જુબાની અંતર્ગત કોર્ટ સમક્ષ જનક પટેલે સાબિત કરી બતાવ્યું હતું કે, સૃષ્ટિ રૈયાણીને મારવામાં આવેલ એક એક છરીનો ઘા એક એક માનવનું મૃત્યુ નીપજાવવા માટે સક્ષમ છે. આમ જયેશ ગીરધર સરવૈયા દ્વારા માત્ર એક મનુષ્યનું વધ કરવામાં આવ્યું છે પરંતુ 34 મનુષ્યના વધ કરવામાં આવ્યા હોય તે પ્રકારની ઘટનાને તેને અંજામ આપ્યો છે. આરોપી દ્વારા મૃતક માટે કોઈપણ પ્રકારની સહાનુભૂતિ દર્શાવવામાં નથી આવી. સૃષ્ટિ રૈયાણીને છરીના ઘા ઝીંકવામાં આવતા તે જમીન પર નીચે પડી ગઈ હતી. ત્યારબાદ પણ જયેશ ગિરધર સરવૈયા દ્વારા સૃષ્ટિને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આરોપી દ્વારા સૃષ્ટિ જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે તેનો પીછો કરવામાં આવતો હતો. આરોપી દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલ છરી ચોટીલા ની મહાકાળી દુકાનમાંથી ખરીદ કરવામાં આવી હતી. જે છરી હત્યાના બનાવના 12 દિવસ અગાઉથી ખરીદ કરવામાં આવી હતી. આમ આરોપી દ્વારા હત્યા કરવા માટે તમામ પ્રકારનું પ્લાનિંગ તેમજ જરૂરી સંસાધન એકત્રિત કરવામાં આવ્યા હોવાનું કોર્ટ સમક્ષ પુરવાર કરવામાં આવ્યું હતું.