Rajkot: હાર્ટ એટેકના કારણે રાજકોટમાં બે યુવકોના મોત
નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હાર્ટ એટેકથી દરરોજ નાની વયે યુવાનોના મોત થઈ રહ્યા છે. રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ બે યુવકોના મોત થયા છે.
રાજકોટ: ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હાર્ટ એટેકથી દરરોજ નાની વયે યુવાનોના મોત થઈ રહ્યા છે. રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ બે યુવકોના મોત થયા છે. બે યુવાનોના મોત હાર્ટ એટેકથી થવાના કારણે એરેરાટી મચી ગઈ છે. રાજકોટમાં 45 વર્ષીય રાજેશ ભૂતનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જ્યારે 34 વર્ષીય રાશીદ ખાન નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. બે યુવાનોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
ખોખડદળ નદીના પુલ પાસે ઓમ ઉદ્યોગનગરમાં રહેતા રાશીદખાન (ઉ.34) આજે સવારના આસપાસ પોતાના ઘરે બેભાન હાલતમાં મળ્યા હતા. જેમને સારવારમાં સીવીલે ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. વધુમાં મૃતક મુળ યુપીનો વતની અને અહીં મજુરીકામ કરતો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં કોઠારીયા ગામમાં રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ ભુત (ઉ.45) આજે સવારના 10 વાગ્યે ખોરાણા ગામે આવેલ પોતાની વાડીએ હતા ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઈ ઢળી પડયા હતા. જેમને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા બાદ તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું.
જેતપુરમાં વધુ એક યુવાન ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. વેલકમ ચાઈનીઝમાં કામ કરતા યુવાનને ઘરે એટેક આવ્યો હતો. યુવકને ટાકુડીપરામાં પોતાની ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, કેસર દિલ બહાદુર ખત્રી (ઉ.વ. 39) નામનો મૂળ નેપાળના અને જેતપુરના નેપાલ ગંજ ખાતે રહેતો યુવક છેલ્લા ઘણા વર્ષો થી જેતપુર વેલકમ ચાઈનીઝ નામની દુકાનમાં કામ કરતો હતો. મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જેતપુર સીટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.
દાહોદમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટએટેકથી નિધન થયું હતું. બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ગોજક દાહોદ ખાતે બે અઢી ખીચડી કઢી નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમણે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યુ હતું. સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમાં હતા. કલાકારના મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો છે. કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.