દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરાશે, પુત્ર ઋષભ આવતીકાલે સવારે 4 વાગ્યે અમેરિકાથી પહોંચશે
ગાંધીનગરમાં મંત્રી સાંસદો દ્વારા અંજલિબેનને સાંત્વના; પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી શોકનો માહોલ.
Vijay Rupani funeral Rajkot: અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરુણ નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના પુત્ર ઋષભ રૂપાણી હાલ અમેરિકામાં છે અને તેઓ આવતીકાલે, 14 જૂન, શનિવારે સવારે 4 વાગ્યે અમદાવાદ પરત ફરશે. ઋષભના આગમન બાદ જ દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે.
આજે, 13 જૂનના રોજ સવારે જ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી અમદાવાદ પહોંચ્યા હતા અને હાલ તેઓ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને હાજર છે. વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતા જ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને રાજકીય નેતાઓ અને કાર્યકરોનો ઘસારો જોવા મળ્યો હતો. અનેક મંત્રીઓ અને સાંસદો અંજલિબેનને સાંત્વના આપવા પહોંચ્યા હતા.
વિજય રૂપાણીના અકાળે અવસાનથી ગુજરાતના રાજકારણમાં અને જાહેરજીવનમાં એક મોટી ખોટ પડી છે, અને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
PM મોદીએ વિજય રૂપાણીના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કરુણ નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ દુઃખદ સમાચાર મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે અને 'X' (અગાઉનું ટ્વિટર) પર ભાવુક શ્રદ્ધાંજલિ પાઠવી છે.
PM મોદીના હૃદયસ્પર્શી શબ્દો:
પ્રધાનમંત્રી મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, "વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી." તેમણે રૂપાણી સાથેના પોતાના લાંબા સંબંધોને યાદ કરતા જણાવ્યું, "વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા."
મોદીએ વિજય રૂપાણીની જાહેર જીવનની સફરને બિરદાવતા કહ્યું, "એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા."
વધુમાં તેમણે રૂપાણીના દરેક કાર્યકાળની પ્રશંસા કરી: "તેઓઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો."
અન્ય એક પોસ્ટમાં પીએમ મોદીએ વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને યાદ કર્યો: "વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના…ૐ શાંતિ...!!"





















