શોધખોળ કરો
વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રની જનતાના હિતમાં લીધો ક્યો બહુ મોટો નિર્ણય ? જાણો શું થશે મોટી રાહત ?
સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે ‘સૌની’ યોજનાની ચારેય લિંકમાંથી સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે 4000 મીલીયન ઘન ફૂટ પાણી ઉદવહન કરીને નખાશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીના કારણે પાણીનો વપરાશ વધી ગયો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની સમસ્યા ના સર્જાય એ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ‘સૌની’ યોજના દ્વારા સૌરાષ્ટ્રના 25 જળાશયો, 120 તળાવો અને 400 ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે. આ નિર્ણયથી ભર ઉનાળામાં નાગરિકોને પીવાના પાણી અને ઢોરઢાંખર માટે પાણીની સમસ્યા હલ થશે. સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે ‘સૌની’ યોજનાની ચારેય લિંકમાંથી સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે 4000 મીલીયન ઘન ફૂટ પાણી ઉદવહન કરીને નખાશે. મોરબીના મચ્છુ-2 જળાશયથી જામનગરના ઊંડ-1 જળાશય લીંક-1 મારફત મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરી 21 મેથી શરૂ થઇ છે જ્યારે અન્ય ત્રણ લિંક દ્વારા તબક્કાવાર આયોજન કરીને બાકીના તમામ તળાવો, ચેકડેમ અને જળાશયો ભરાશે. ભૂગર્ભ જળસ્ત્રોત પણ રિચાર્જ થતાં જળસ્તર ઊંચા આવતા ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે. મુખ્યમંત્રીના સચિવે આપેલી વિગતો પ્રમાણે આ જળાશયો, ચેકડેમો અને તળાવો ભરાવાથી ઉનાળાની સિઝનમાં ઢોરઢાંખરને પીવાના પાણી સહિત નાગરિકો માટે પણ પીવાના પાણીની સમસ્યાનો હલ થશે. સાથે-સાથે ભૂગર્ભજળ પણ રીચાર્જ થવાનો મહત્વનો ફાયદો થતાં સિંચાઇ માટે પાણી પણ મળી રહેશે. સૌની યોજના અંતર્ગત તબક્કા-૧ની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તબક્કો-ર પૂર્ણતાને આરે છે અને ત્રીજા તબક્કાની કામગીરી પ્રગતિમાં છે.
વધુ વાંચો





















