Rajkot: આજી ડેમ ચોકડી નજીક બંધ ટ્રકની પાછળ બાઈક અથડાતા યુવકનુ ઘટનાસ્થળે મોત
રાજકોટ શહેરના આજીડેમ ચોકડી નજીક ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
રાજકોટ: રાજકોટ શહેરના આજીડેમ ચોકડી નજીક ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રાત્રીના 1 વાગ્યા આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી. બંધ ટ્રક પાછળ બાઇક અથડાતાં રાજકોટના મંદિરમાં રહી પૂજા કરતાં ગઢકાના યુવકનું મોત થયું હતું. યુવકનું મોત થઈ જતા પરિવારમાં ગમગીની છવાઈ ગઇ છે.
અહેવાલ અનુસાર મૂળ ત્રંબા નજીકના ગઢકાના રહેવાસી કશ્યપભાઇ પંડયા (ઉ.વ.28) રાજકોટમાં જયંત કે. જી. રોડ પર આવેલા શ્રી ઘેલારામજી ઓૈદિચ્ય બ્રાહ્મણ સમાજના મંદિરમાં રહી સેવા પૂજા કરતા હતા. ગઇકાલે તેઓ બાઇક લઇને પોતાના ગામ ગઢકા ગયા હતા. રાત્રિના 1 વાગ્યા આસપાસ બાઈક લઈને રાજકોટના મંદિર ખાતે પરત આવી રહ્યા હતા ત્યારે આજીડેમ ચોકડી પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ બાઇક અથડાઈ જતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિલ 108માં લઈ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસે તપાસ હાથ ધરતાં તેમની ઓળખ થઇ હતી. મૃત્યુ પામનાર યુવક બે ભાઇઓમાં મોટા હતા. તેમને સંતાનમાં એક પુત્રી છે. મંદિરમાં સેવા પૂજા અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતા હતા. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઇ હતી.
Kutch: આડેસર નજીક એક ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર અથડાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત
કચ્છમાં નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કચ્છના આડેસર નજીક નેશનલ હાઈવે પર એક ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર અથડાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતની ઘટના બાદ થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો.
આ અકસ્માતમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મુન્દ્રા પોર્ટમાં માલ ખાલી કરવા જઈ રહ્યા હતાં આ સમય દરમિયાન કચ્છના આડેસર પાસે ટ્રેઈલર પાછળ પૂરપાટ ઝડપે આવતું અન્ય ટ્રેલર અથડાયું હતું. આ અકસ્માત ખૂબ જ ભયંકર હતો.
આ અકસ્માતમાં એટલી જોરદાર ટક્કર લાગી હતી કે પાછળથી અથડાયેલા ટ્રેલરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેને કારણે તેની અંદર ટ્રેલર ચલાવી રહેલ ડ્રાઈવર અને ક્લીનર બંને દબાઈ ગયા હતા અને તેમના કમકમાટીભર્યા મોત થયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ કરી પાછળથી આવતા ટ્રેલર ચાલક સામે બેદરકારીભર્યા ડ્રાઈવિંગનો ગુનો દાખલ કર્યો છે.