કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાશે. આજથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળશે.

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાશે. આજથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળશે. તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ બાદ તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે જેના કારણે ઠંડીમાં વધુ વધારો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે એક મોટું અપડેટ જાહેર કર્યું છે.
IMD અનુસાર, 18 જાન્યુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે અને બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 જાન્યુઆરીથી સક્રિય થશે. તેની અસરને કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આજથી 22 જાન્યુઆરી સુધી હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે. તેમજ 21-22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં વાદળો છવાયેલા રહેશે. એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત છે, જે 18 થી 20 જાન્યુઆરી સુધી તમિલનાડુ, પુડુચેરીમાં અને 19-20 જાન્યુઆરી સુધી કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદનું કારણ બની શકે છે. આ સાથે જ જોરદાર વાવાઝોડા સાથે કરા પણ પડી શકે છે.
જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે, જ્યારે ગુજરાતમાં આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ વધશે. મધ્ય-પૂર્વ ભારત અને મહારાષ્ટ્રમાં આગામી 4 દિવસમાં પારામાં કોઈ ફેરફાર થશે નહીં.
ગાઢ ધુમ્મસની ચેતવણી
IMD અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ છવાયેલ રહેવાની શક્યતા છે. યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 20 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડશે.
હાલમાં દિલ્હી એનસીઆરમાં ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ફરી એકવાર હવામાન બદલાશે, જેના કારણે 21-22ના રોજ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હાલ ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
