Renting Home: ઘર લોન લઇને ખરીદવા કરતા ભાડે રહેવું આર્થિક દષ્ટીએ વધુ ફાયદાકારક, અહી સમજો ગણિત
Buying Vs Renting Home: ઘર ખરીદવું જોઇએ કે ભાડાના જ મકાનમાં રહેવું જોઇએ, આ બંનેમાંથી આર્થિક દષ્ટીએ કયું ફાયદાકારક છે. જાણીએ
Buying Vs Renting Home:પોતાનું ઘર એ દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે વારંવાર ઘર બદલવાની તમામ ઝંઝટમાંથી રાહત આપે છે અને કાયમી માનસિક શાંતિ આપે છે. જો કે ઘર ખરીદવા કરતા ભાડે રાખવું આર્થિક દષ્ટીએ વધુ સારૂ હોય છે. જાણીએ કઇ રીતે
હોમ લોન હવે મોંઘી છે
સૌ પ્રથમ તો લોન પર મકાન હવે અંતે મોંઘું સાબિત થાય છે. નવું મકાન ખરીદવા માટે પૂરતા પૈસા ધરાવતા લોકોની સંખ્યા ઓછી છે. મોટાભાગના લોકો લોન લઈને જ ઘર ખરીદે છે. હોમ લોનનો રેપો રેટ સાથે સીધો સંબંધ છે. રેપો રેટમાં વધારા સાથે લોનની કિંમત વધે છે. રિઝર્વ બેંકે મે 2022થી રેપો રેટમાં અઢી ટકાનો વધારો કર્યો છે, જેના કારણે હોમ લોનના દર જે લગભગ 6.5 ટકા હતા તે હવે 9 ટકાથી ઉપર છે. જોકે, આરબીઆઈએ એપ્રિલ 2023ની મોનેટરી પોલિસીમાં રેપો રેટને 6.5 ટકા પર રાખ્યો છે, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વ્યાજ દરમાં વધુ વધારો નહીં થાય.
ઘર ખરીદી પર અંતે થતો ખર્ચ
સૌથી મોટી બેંક SBIના હોમ લોનના દર હાલ 9.15 ટકાથી શરૂ થઈ રહ્યા છે. ચાલો ધારીએ કે તમે જે ઘર ખરીદવા માંગો છો તેની કિંમત 50 લાખ રૂપિયા છે. કોઈપણ શહેરમાં સારી જગ્યાએ 3BHK એપાર્ટમેન્ટની કિંમત આની આસપાસ રહે છે. હવે ચાલો માની લઈએ કે, તમે તમારા પોતાના ખિસ્સામાંથી 20% ડાઉન પેમેન્ટ કરવાના છો અને 80% એટલે કે રૂ. 40 લાખની હોમ લોન લેવાના છો. જો 9.15 ટકાના દરે 20 વર્ષ માટે 40 લાખ રૂપિયાની લોન લેવામાં આવે તો તેની માસિક EMI 36,376 રૂપિયા હશે. આ મુજબ તમારે 20 વર્ષમાં 87 લાખ 30 હજાર 197 રૂપિયા બેંકને ચૂકવવા પડશે, જેમાંથી 40 લાખ રૂપિયા મુદ્દલ છે અને બાકીના 47 લાખ રૂપિયા વ્યાજ છે. મતલબ કે 20 વર્ષ પછી આ ઘરની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા થશે. રિયલ એસ્ટેટ સેક્ટરનો વાર્ષિક વિકાસ દર 5-6 ટકા છે. આ રીતે, જે ઘરની કિંમત આજે 50 લાખ રૂપિયા છે તેની કિંમત 20 વર્ષ પછી 1.3 થી 1.6 કરોડ રૂપિયા થશે.
ભાડાના મકાનમાં પર રહેવાનું ગણિત
હવે ભાડાની પરિસ્થિતિ વિશે વાત કરીએ. 50 લાખની કિંમતના આવા જ મકાનમાં રહેવા માટે તમારે દર મહિને લગભગ 20,000 રૂપિયા ભાડા તરીકે ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, જો તમે ભાડા પર રહેશો, તો તમે દર મહિને 16,376 રૂપિયા બચાવો છો. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં આ નાણાંનું રોકાણ કરવાથી, તમને 12 ટકાના અપેક્ષિત વળતર પર 20 વર્ષ પછી 1 કરોડ 58 લાખ રૂપિયા મળશે. 10 લાખ રૂપિયાની ડાઉન પેમેન્ટની રકમનું અલગથી રોકાણ કરવાથી તમને કુલ 96 લાખ 46 હજાર 293 રૂપિયા મળશે. એટલે કે, આ સ્થિતિમાં, 20 વર્ષ પછી તમારી પાસે 2.5 કરોડ રૂપિયાથી વધુ હશે. આ સંદર્ભમાં, ભાડા પર રહેવું એ વધુ સારો વિકલ્પ સાબિત થાય છે.
ભાડા પર રહેવાનો ફાયદો
EMI કરતા ભાડા પર રહેવું સસ્તું છે. ડાઉન પેમેન્ટની કોઈ ઝંઝટ નથી. જો તમે તમારી નોકરી બદલો અથવા સ્થાન પસંદ ન કરો તો તમે સરળતાથી તમારું ઘર બદલી શકો છો.
ઘર ખરીદવાના ગેરફાયદા
ડાઉન પેમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જ અને EMI જેવા ખર્ચો ઉઠાવવા પડે છે. જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે ઘર તરત વેચી શકાતું નથી.