Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે સુરત શહેરમાં વરસાદે ભૂક્કા બોલાવી દિધા છે. સુરતના લિંબાયતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સુરત: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે સુરત શહેરમાં વરસાદે ભૂક્કા બોલાવી દિધા છે. સુરતના લિંબાયતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરત શહેરમાં સતત ભારે વરસાદ વરસવાને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના લિંબાયતમાં એક કલાકની અંદર ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન ખોરવાયું ગયું છે.
લિંબાયતમાં જળબંબાકાર
મુશળધાર વરસાદથી લિંબાયતમાં જળબંબાકાર થયો છે. આશાનગરમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રઘુકુળ ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા છે. કતારગામ-ગોટાલાવાડીમાં રોડ પર પાણી ભરાયા છે. ડુંભાલ વિસ્તારમાં ઓમનગરમાં કમર સુધીના પાણી ભરાયા છે. પર્વત પાટીયા વિસ્તારમાં પણ જલારામનગરમાં પાણી ભરાયા છે.
લિંબાયત વિસ્તારના ઓમનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. અહીં પાણીનો કોઈ નિકાલ ન હોવાને લઈ વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યું છે. ભારે વરસાદથી સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લિંબાયતમાં એક કલાકમાં સાડા ચારા ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. સુરતનાં લિંબાયતમાં એક કલાકમાં સાડાચાર ઈંચ વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.
આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોઅલ લાઈન સક્રિય થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતના ક્ચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ છે.





















