Surat: મહિલા PSI અને પુત્રને ACBએ પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા
સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા PSI સહિત તેના પુત્રની રૂપિયા 8,000 ની લાંચ કેસમાં સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સુરત: સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા PSI સહિત તેના પુત્રની રૂપિયા 8,000 ની લાંચ કેસમાં સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા PSI દ્વારા રૂપિયા 10,000 ની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે રૂપિયા 8000 માં સમાધાન થતાં પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા PSIને સુરત ACBએ ઝડપી પાડી હતી.
સુરત લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા સુરતના લાલગેટ પોલીસ મથકમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSI અને તેના પુત્રને રૂપિયા 8,000 ની લાંચ લેતા સુરત લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત લાંચ-રૂશ્વત વિરોધી શાખાના નાયબ પોલીસ અધિકારી આર.આર.ચૌધરીના જણાવ્યા અનુસાર, લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા એક અરજી કરવામાં આવી હતી.જેમાં ફરિયાદીના ટેક્નિશિયન વિરુદ્ધ કરવામાં આવેલ અરજીની તપાસ મહિલા PSI મંજુલાબેન શંકરલાલ પારગી દ્વારા કરવામાં આવી હતી.
10,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી
જે મહિલા PSI દ્વારા સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે રૂપિયા 10,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી અને PSI વચ્ચે ભારે રકઝકના અંતે 8000 રૂપિયામાં સમાધાન થયું હતું. પરંતુ ફરિયાદી પોતે લાંચ આપવા માંગતા ના હોવાથી સુરત ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACB દ્વારા લાલગેટ પોલીસ મથકમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. મહિલા PSI એ હેતુલક્ષી વાતચીત ફરિયાદી જોડે કરી લાંચની રકમ પોતાના પુત્ર અશ્વિન પારગીને આપી દેવા જણાવ્યું હતું. જે દરમિયાન લાંચની રકમ સ્વિકારતા મહિલા PSI મંજુલાબેન શંકરલાલ પારગી અને તેના પુત્ર અશ્વિન શંકરલાલ પારગીને પોલીસ સ્ટેશનની અંદર જ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બંનેની ACB દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ACBના જણાવ્યા મુજબ મહિલા PSI ની અપ્રમાણસર મિલકત અંગેની પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.
પોલીસ સ્ટેશનની અંદર જ લાંચ લેતા રંગે હાથ ACBના હાથે ઝડપાયા
મહત્વનું છે કે મહિલા PSI પોતાના પુત્ર વત્તી પોલીસ સ્ટેશનની અંદર જ લાંચ લેતા રંગે હાથ ACBના હાથે ઝડપાયા છે. જે એક મોટો ચર્ચાનો વિષય હાલ બની રહ્યો છે. પોલીસ સ્ટેશનની અંદર મહિલા PSIના પુત્રની હાજરી એ સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે. મહિલા PSI દ્વારા આ પ્રમાણે અરજીના કામે લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાની લોક ચર્ચા પણ છે. જ્યાં સુરત ACBએ આ મામલે પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પરંતુ મહિલા PSIની આ લાંચખોરીને લઈ સુરત પોલીસની છબી પણ ખરડાઈ છે. જેના કારણે સુરત પોલીસે પણ નીચા જોવાનો વારો આવ્યો છે.