દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં શિક્ષિકાને કોરોના થતાં ધોરણ 6થી 8ના વર્ગો કરી દેવાયા બંધ?
વલસાડની સ્કૂલમાં શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ધોરણ 6 થી 8 વર્ગો બંધ કરાયા છે. કોરોના હોવાં છતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક શિક્ષણ વિભાગને સ્કૂલ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી નહોતી.
વલસાડઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી એકવાર સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાની એક સ્કૂલમાં શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ધોરણ 6 થી 8 વર્ગો બંધ કરવામાં આવ્યા છે. કોરોના હોવાં છતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક શિક્ષણ વિભાગને સ્કૂલ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી નહોતી.
કોરોના પોઝિટિવ આવતા બાળકોને 1 અઠવાડિયાની રજા આપી દેવાઈ છે. સ્કૂલ પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે. ડી.પી.ઇ.ઓ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે પણ સ્કૂલ પ્રશાસન દ્વારા કાંઈ કહેવામાં આવ્યું નહીં.
નવરાત્રિ પહેલા ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો પણ શરૂ થઇ જવાની પ્રબળ સંભાવના છે. આ મામલે આગામી સપ્તાહમાં શાળા સંચાલક મંડળ તરફથી નવા શિક્ષણ મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે પણ નવરાત્રી પહેલા પ્રાથમિક ધોરણના (Offline Classes) વર્ગો શરૂ થઇ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થયા બાદ રાજય સરકારે ધીમે ધીમે તબક્કા વાર છૂટછાટો આપી છે. હાલ ગુજરાતમાં ધો. 6થી 12ના (Offline Classes) વર્ગો શરૂ છે ત્યારે ધોરણ 1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી સંભાવના છે.
નોંધનીય છે કે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના (Offline Classes) વર્ગ શરૂ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય અનલોક કર્યું છે. જે અંતર્ગત કોલેજો અને ધોરણ 12ની સ્કૂલો (Offline Classes) શરૂ કરાયા બાદ ધોરણ નવથી 11ની સ્કૂલ (Offline Classes) શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં (Offline Classes) શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
સ્કૂલો માટે તકેદારીના ભાગરૂપે જાહેર કરાયેલ શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઈન (Online Classes) શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમિત બાદ જ બોલાવવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં બાળકો એકઠા ન થાય અને આવતા જતા સમયે એક સાથે ટોળામાં ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.
સ્કૂલમાં રોજિંદી સમૂહ પ્રાર્થના તેમજ રમત ગમત અને સાંસ્કૃતિ કાર્યક્રમો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે. એટલુ જ નહી ક્લાસરૂમમાં 50 ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને સોશલ ડિસ્ટસિંગ સાથે બેસાડવાના રહેશે.