નરેશ પટેલ કમૂરતાં પતે પછી રાજકારણમાં કરશે પ્રવેશ ? જાણો વાપીમાં શું કર્યો હુંકાર ?
મીડિયા સાથે વાતચીતમાં પોતે ખોડલધામના પાટોત્સવ બાદ રાજકારણમાં આવશે એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. રાજકારણમાં પ્રવેશ વિશેની વાત પાટોત્સવનો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી નહીં કરવા વિનંતી કરી હતી.
સુરતઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હુંકાર કર્યો છે કે, ભલે ગમે તેવાં વાવાઝોડાં આવે પણ કોઈ વાવાઝોડું નરેશ પટેલને હલાવી નહીં શકે. નરેશ પટેલે સમાજના લોકોને સારા લોકોને રાજકારણમાં મોકલવા પણ અપીલ કરી હતી. સાથે એવી પણ ટકોર કરી કે ખુરશી મળ્યા પછી જેનું ધ્યાન સમાજ પરથી ન હટે તેવા લોકોને ચૂંટણી જીતાડજો અને રાજકારણમાં મોકલજો.
જાહેર મંચ પરથી રાજકારણ અંગે સ્પષ્ટ રીતે પોતાનો મત વ્યક્ત કરનાર નરેશ પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીતમાં પોતે ખોડલધામના પાટોત્સવ બાદ એટલે કે 21 જાન્યુઆરી પછી રાજકારણમાં આવશે એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. તેમણે પોતાના રાજકારણમાં પ્રવેશ વિશેની વાત ખોડલધામ ખાતે પાટોત્સવનો કાર્યક્પમ પૂર્ણ ન થાય ત્યાં સુધી નહીં કરવા વિનંતી કરી હતી. નરેશ પટેલ આ નિવેદન આપીને આડકતરી રીતે તેઓ ખોડલધામના પાંચમા પાટોત્સવ બાદ રાજકારણની નવી સફર શરૂ કરે તેવો આડકતરો ઇશારો કરી દીધો છે.
ગુજરાતમાં લેઉઆ પાટીદારોનાં કુળદેવી ખોડિયાર માતાના સૌથી મોટા મંદિર ખોડલધામ ખાતે પાટોત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ખોડલધામમાં યોજાનારો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે. આ કાર્યક્રમ માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસના ભાગરૂપે વાપી આવેલા નરેશ પટેલે મંચ પરથી આ અપીલ કરી હતી.
ખોડલધામ કાગવડ અને પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસથી ખોડલધામના પાંચમા પાટોત્સવનું આમંત્રણ આપવા રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રવાસ અંતર્ગત નરેશ પટેલ સોમવારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના વાપી પહોંચ્યા હતા. પટેલ સમાજને સંબોધતા નરેશ પટેલે જાહેર મંચ પરથી રાજકારણ વિશે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
નરેશ પટેલે રાજકારણમાં સારો માણસ આવે એ જોવા લોકોને વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, ખોડલધામમાં જેની આસ્થા હોય એ આવે અને અમે કોઈને પણ રોકી ના શકીએ. તેમણ કહ્યું કે, હું એક મોટી સંસ્થાનું નેતૃત્વ કરું છું તેથી બધાં સાથે બેલેન્સ કર ને ચાલવું પડે.