માંગરોળમાં ઝેરી ગેસ ગળતર: બાયોકેમ ફેક્ટરીમાં બે કામદારોના કરુણ મોત, તપાસ શરૂ
ઝેરી ગેસની ઝપેટમાં આવેલા રાજકુમારસિંહ અને રાજન શર્માનું અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ અવસાન, પોલીસ તપાસ શરૂ.

Mangrol gas leak accident: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામે આવેલી મંગલમૂર્તિ બાયોકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આજે એક અત્યંત કરુણ ઘટના બની છે. દવાઓના રો મટીરિયલ બનાવતી આ ફેક્ટરીમાં રિએક્ટરના મેઇન્ટેનન્સની કામગીરી દરમિયાન ઝેરી ગેસ ગળતર થતાં બે કામદારનાં મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે કંપનીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાં આવેલી મંગલમૂર્તિ બાયોકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે. દવાઓના રો મટીરિયલ બનાવતી આ ફેક્ટરીમાં રિએક્ટર (ટાંકી) ના મેઇન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ઝેરી ગેસ ગળતરની ઘટના બની, જેમાં બે યુવાન કામદારોએ જીવ ગુમાવ્યા.
ઘટનાની વિગતો
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે કંપનીમાં આવેલા એક રિએક્ટર (ટાંકી) ની અંદરની સફાઈ માટે રાજકુમારસિંહ નારાયણસિંહ (ઉં.વ. ૩૭, મૂળ રહે બિહાર) અંદર ઉતર્યા હતા. થોડા સમય પછી તેમને ઝેરી ગેસના કારણે ગૂંગળામણની અસર થવા લાગી હતી. રાજકુમારસિંહને બચાવવા માટે તેમના સાથી કર્મચારી રાજન દયાનંદ શર્મા (ઉં.વ. ૨૭, મૂળ રહે ઉત્તર પ્રદેશ) તાત્કાલિક ટાંકીની અંદર ઉતર્યા હતા. જોકે, રિએક્ટર (ટાંકી) માં રહેલા ઝેરી ગેસની અસર એટલી પ્રબળ હતી કે, બંને કર્મચારીઓ વારાફરતી ગૂંગળાઈને મોતને ભેટ્યા હતા. આ ગંભીર ઘટના ગણતરીની મિનિટોમાં જ બની ગઈ હતી, જેના કારણે કંપનીમાં શોક અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.
તાત્કાલિક સારવાર છતાં બચાવી શકાયા નહીં
ગેસ ગળતરની ગંભીર અસર થતા બંને કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવાર મળે તે પહેલાં જ બંનેનાં મોત નીપજ્યાં હતાં. પીઆઈ ડી. એલ. ખાચરના જણાવ્યા મુજબ, તેમને અંકલેશ્વરથી કોલ મળ્યો હતો કે ઝેરી ગેસની અસરના કારણે રાજકુમારસિંહ અને રાજન શર્મા નામના કામદારોના મોત થયા છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઝેરી ગળતરનો ભોગ બનેલા રાજકુમારસિંહ નારાયણસિંહ અને રાજન દયાનંદ શર્માના મૃતદેહોને રિએક્ટર (ટાંકી) માંથી બહાર કઢાવ્યા હતા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. હાલ કોસંબા પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ, મૃત થયેલા કામદારો બે વર્ષથી કંપનીમાં કામ કરતા હતા અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી રોજબરોજ કામકાજ માટે અપડાઉન કરતા હતા. આ ઘટનામાં કંપનીની બેદરકારીના કારણે બંનેના મોત થયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. પોલીસ વધુ તપાસ બાદ જ આ ઘટનાનું સંપૂર્ણ સત્ય સામે આવશે.





















