સુરતમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ બે વર્ષના પુત્ર સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, બન્નેના કરુણ મોત
Surat News: સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી માર્કન્ડ હિલ્સ સોસાયટીમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. એક 30 વર્ષીય પરિણીતા પૂજા પટેલ અને તેના બે વર્ષના એકના એક પુત્ર ક્રિશિવનું બિલ્ડિંગના 13મા માળેથી નીચે પટકાતા મોત થયું છે.

Surat News: સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી માર્કન્ડ હિલ્સ સોસાયટીમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. એક 30 વર્ષીય પરિણીતા પૂજા પટેલ અને તેના બે વર્ષના એકના એક પુત્ર ક્રિશિવનું બિલ્ડિંગના 13મા માળેથી નીચે પટકાતા મોત થયું છે. પોલીસે આ ઘટનાને આપઘાત હોવાની આશંકા વ્યક્ત કરી છે.
શું બની ઘટના?
મૂળ મહેસાણાના વતની વિલેષકુમાર પટેલ, તેમની પત્ની પૂજા અને પુત્ર ક્રિશિવ સાથે અલથાણ વિસ્તારમાં આવેલા માર્કન્ડ હિલ્સ બિલ્ડિંગના છઠ્ઠા માળે રહે છે. વિલેષકુમાર લૂમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઈકાલે બુધવારે સાંજે, પૂજાબેન પોતાના બે વર્ષના પુત્ર ક્રિશિવને લઈને બિલ્ડિંગના સી વિંગના 13મા માળે બ્લાઉઝ સિવડાવવા ગયા હતા. આ દરમિયાન, કોઈ અજાણ્યા કારણસર પૂજા અને ક્રિશિવ અચાનક 13મા માળેથી નીચે પટકાયા હતા.
તેઓ બિલ્ડિંગમાં સ્થાપિત શ્રીજીની મૂર્તિથી આશરે 50 મીટર દૂર જમીન પર પડયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પૂજા અને ક્રિશિવને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસની તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ ડીસીપી નિધિ ઠાકુર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ડીસીપી નિધિ ઠાકુરે જણાવ્યું કે, "માતા-પુત્રના મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આ ઘટના આપઘાત હોવાની આશંકા છે."
પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે અને આસપાસના લોકોના નિવેદનો પણ લઈ રહી છે. કેટલાક રહેવાસીઓ આને એક દુર્ઘટના માની રહ્યા છે, જ્યારે અન્ય લોકો અન્ય કારણોની શક્યતા પર વિચાર કરી રહ્યા છે. પોલીસે આ ઘટનાની ગંભીરતાથી તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના બાદ વિલેષકુમાર પટેલ અને તેમનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયો છે, અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જો કે સૌથી મોટો સવાલ એ છે કે, પૂજાએ બે વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કેમ કરી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. સીસીટીવી ફુટેજ અને આસપાસના લોકોના નિવેદન નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ માતા અને પુત્રના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.





















