સુરત ઝેરી પાણી કાંડ: કરવી હતી આત્મહત્યા, પણ પીવડાવી દીધું ૧૧૮ને ઝેર, સુરત કાંડમાં થયો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો
કાપોદ્રા પોલીસે મોબાઈલ ડેટા અને મેડિકલ સ્ટોરના સીસીટીવીના આધારે આરોપીને પકડ્યો, આત્મહત્યાના વિચારથી પાણીમાં ઝેર ભેળવ્યું હતું.

Surat poisonous water case: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ૧૧૮ રત્ન કલાકારોએ ઝેરી પાણી પીવાના કેસમાં કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસના આરોપી નિકુંજની ધરપકડ કરી લીધી છે.
કાપોદ્રા પોલીસે આરોપી સુધી પહોંચવા માટે તેના મોબાઈલ ડેટાનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી નિકુંજે ૧૨ દિવસ પહેલા દવા માટે એક મેડિકલ સ્ટોર પર રૂપિયા ચૂકવ્યા હતા. આ કડી પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં નિર્ણાયક સાબિત થઈ.
સરથાણા વિસ્તારમાં આવેલા એક મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં આરોપી નિકુંજ સેલ્ફોસ નામની ઝેરી દવા ખરીદતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નિકુંજે પોતાના એક મિત્ર પાસેથી ૮,૦૦,૦૦૦ રૂપિયા ઉછીના લીધા હતા. આ લોનની રકમ ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે આરોપી ફિલ્ટર પાસે ગયો હતો અને તેણે પાણીના ગ્લાસમાં ઝેરી દવા નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અંતિમ સમયે તેની હિંમત ન થતા તેણે દવા પીધી ન હતી અને ત્યાંથી જતો રહ્યો હતો.
હાલમાં કાપોદ્રા પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપીની પૂછપરછ ચાલુ છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ કૃત્યમાં કોઈ અન્ય વ્યક્તિ પણ સામેલ હતું કે કેમ. આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી હતી અને હવે આરોપીની ધરપકડથી પીડિત રત્ન કલાકારો અને તેમના પરિવારોને થોડી રાહત મળી હશે.
નોંધનીય છે કે, સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડ નામની હીરા કંપનીમાં રત્નકલાકારોની સામૂહિક હત્યાના ષડયંત્રના મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા હીરાના કારખાનાનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ રત્નકલાકારોની યાદી બનાવીને પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સેલ્ફોસ (એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ) નામની ઝેરી દવાનું પાઉચ ભેળવી દેવામાં આવ્યું હતું. આ ઝેરી પાણી પીધા બાદ કારખાનાના ૧૧૮ રત્નકલાકારોને સેલ્ફોસની અસર થઈ હતી. જેમાંથી ૧૦૪ રત્નકલાકારોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, જ્યારે હજુ પણ ૪ રત્નકલાકારો આઈસીયુમાં અને ૧૨ રત્નકલાકારો ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યા હતા. પોલીસે આ ઘટનાને રત્નકલાકારોની સામૂહિક હત્યાના પ્રયાસ તરીકે ગણીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.





















