Surat: સુરતમાં યુવક બ્રેઈનડેડ થતા પરિવારે અંગદાન કરી 5 લોકોને આપ્યું નવજીવન
સુરત: શહેરમાં વધુ એક વખત અંગદાન કરવાની ઘટના સામે આવી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કિરણ હોસ્પિટલમાંથી આ અંગદાન સ્વિકારવામાં આવ્યું હતું.
સુરત: શહેરમાં વધુ એક વખત અંગદાન કરવાની ઘટના સામે આવી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કિરણ હોસ્પિટલમાંથી આ અંગદાન સ્વિકારવામાં આવ્યું હતું. પદ્મશાળી તેલુગુ સમાજના જયેશ રમેશભાઈ ચેરીપલ્લી ઉ.વ ૩૬ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી જયેશભાઈના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર એંસીથી વધુ વ્યક્તિઓને નવુજીવન આપવામાં સફળતા મળી છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના સચીન વિસ્તારમાં રહેતો જયેશ નામનો યુવક ૨૨ ઓક્ટોબરના રોજ પોતાની ચાની લારી પર સાંજે ૪:૦૦ કલાકે કામ કરી રહ્યો હતો, ત્યારે તેને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક નજીકમાં આવેલ સમર્પણ હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં નિદાન માટે MRI કરાવતા પેરાલીસીસની અસર જણાતા ડુંગરી, વૈધ હોસ્પીટલમાં દાખલ કર્યો હતો. જો કે, તબિયત વધુ ખરાબ જણાતા ત્યાંથી વધુ સારવાર માટે પરિવારજનોએ તેને સુરતની કિરણ હોસ્પિટલમાં તારિખ ૨૫ ઓક્ટોમ્બરના રોજ દાખલ કર્યો હતો.
તા. ૨૬ ઓક્ટોમ્બર ના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે જયેશને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. કિરણ હોસ્પિટલના મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી જયેશના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી હતી.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી જયેશના મોટાભાઈ નરેન્દ્ર ભાઈ, બનેવી બલરાજ, પિતરાઈ ભાઈ રાજેશને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
જયેશના પરિવારજનોએ જણાવ્યું કે, જયેશ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો રાખ જ થઈ જવાનું છે, ત્યારે તેના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. જયેશના પરિવારમાં પત્ની સોનલ ઉ.વ ૨૮, પુત્રી રીયા ઉ.વ ૮, પુત્ર શ્યામ ઉ.વ. ૬.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બંને કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. લિવરનું દાન કિરણ હોસ્પીટલના ડૉ. રવિ મોહન્કા, ડૉ. ધર્મેશ ધાનાણી અને તેમની ટીમે, કિડનીનું દાન કિડનીનું દાન ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહિર, ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ નામા અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. સંકિત શાહે સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૧૬ વર્ષીય યુવકમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૨૮ વર્ષીય યુવાનમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૯ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે.