નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના કર્યા ભરપેટ વખાણ કહ્યું, 'ભૂપેન્દ્રભાઈ ઓછું બોલે પણ.....'
ભૂપેન્દ્રભાઈ પટેલ ઓછું બોલનારા પણ કાર્ય કરવામાં હરહંમેશ અગ્રીમ. ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ નવી ઉર્જા સાથે આગળ વધી રહી છે.
સુરતઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત શહેરના વાલક પાટિયા ખાતે રૂ.૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી અત્યાધુનિક હોસ્ટેલનું ભૂમિપૂજન વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભૂપેન્દ્રભાઈ પટેલ ઓછું બોલનારા પણ કાર્ય કરવામાં હરહંમેશ અગ્રીમ. ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ નવી ઉર્જા સાથે આગળ વધી રહી છે. ભૂપેન્દ્ર પટેલ જમીન સાથે જોડાયેલા ટેકનોલોજીનો ઉપયોગ કરનારા મુખ્યમંત્રી છે. ભૂપેન્દ્ર પટેલની પ્રતિભા ગુજરાતના વિકાસને ચાર ચાંદ લગાવશે.
તેમણે કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલના વ્યક્તિત્વનો લાભ ગુજરાતને મળશે. ભૂપેન્દ્ર પટેલના અનુભવનો લાભ ગુજરાતને મળશે. 25 વર્ષથી સાર્વજનિક જીવનમાં રહ્યા બાદ પણ ભૂપેન્દ્ર પટેલના નામે કોઈ વિવાદ નહીં. ભૂપેન્દ્રભાઈ ઓછું બોલે છે પણ કાર્ય કરવામાં હરહંમેશ અગ્રીમ છે. મુકપ્રેક્ષક થઈ કાર્યો કરતા રહેવું તે ભૂપેન્દ્ર પટેલના જીવવનો હિસ્સો છે. ભૂપેન્દ્ર પટેલ અદ્યાત્મ સાથે જોડાયેલા, સંસ્કૃતિને આગળ વધારનાર વ્યક્તિ છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બનેલી ભૂપેન્દ્ર પટેલની સરકારને નવી ઉર્જા સાથેની સરકાર ગણાવી હતી. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વધુ વિકાસનો પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઓછું બોલતા પરંતુ અનેક સારા કાર્યો કરતા વ્યક્તિ તરીકે પીએમએ ગણતરી કરી હતી. તેમણે મુખ્યમંત્રીને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ ગણાવ્યા હતા.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યક્ષ ખાતમુહૂર્ત કરી હોસ્ટેલના ફેઝ-૧ના નિર્માણકાર્યનો પાયો નાંખ્યો હતો. 'શ્રીમતી જમનાબેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન, સુરત' નામથી નિર્માણ થનાર આ હોસ્ટેલ અંતર્ગત પ્રથમ તબક્કામાં પુરૂષ હોસ્ટેલના બાંધકામ પાછળ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ દરમિયાન રૂ.૭૦ કરોડ અને મહિલા હોસ્ટેલ માટે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન રૂ.૪૦ કરોડ ખર્ચ કરાશે. ઉપરાંત, શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન પણ આ જ પરિસરમાં આકાર પામશે. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે વર્તમાન સમયને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધા ઊભી કરાશે. જેમાં અભ્યાસકીય તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે ઉત્તમ વ્યવસ્થા પણ ગોઠવાશે.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ અને પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ, વિધાનસભાના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, મુખ્ય દાતા હંસરાજભાઈ ગોંડલીયા સહિત પાટીદાર ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ અને અન્ય દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.