(Source: ECI/ABP News/ABP Majha)
Surat : પ્રેમલગ્ન કરનાર 32 વર્ષીય યુવતીની હત્યાના કેસમાં સામે આવી ચોંકાવનારી વિગતો, પોલીસને કોના પર છે શંકા?
સીસીટીવીમાં શબાનાની હત્યાના દિવસે આગળ પાછળ ચાલતા એક શકમંદના ફૂટેજ પોલીસને મળ્યા હતા. જ્યાંથી શબાનાની લાશ મળી હતી ત્યાં તે લગભગ એકાદ કલાક રોકાયો હોવાનું પોલીસનું અનુમાન છે.
સુરતઃ શહેરના ઝાંપાબજાર ખાતે આવેલા વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી મળી આવેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. લાશ માનદરવાજાની 32 વર્ષીય શબાનાની હોવાનું સામે આવ્યું છે. શબાના ગત 10મી ના રોજ ચોકબજારમાં ઘરકામ માટે ગયા બાદ ગુમ થઈ હતી. પોલીસ તપાસમાં યુવતીની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે, યુવતીની લાશ અહીં કેવી રીતે પહોંચી અને કોણે હત્યા કરી તે તો પોલીસ તપાસ પછી જ સામે આવશે.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં શબાનાની હત્યાના દિવસે આગળ પાછળ ચાલતા એક શકમંદના ફૂટેજ પોલીસને મળ્યા હતા. જ્યાંથી શબાનાની લાશ મળી હતી ત્યાં તે લગભગ એકાદ કલાક રોકાયો હોવાનું પોલીસનું અનુમાન છે. આ જ ઈસમે શબાનાની હત્યા કરી હોવાની શંકા સાથે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
સીસીટીવીમાં શબાના પરવટ પાટિયાથી નીકળીને ભાગળ ચાર રસ્તા પાસે રિક્ષામાંથી ઉતરે છે. અહીં તે એક અજાણ્યા યુવાન સાથે વાત કરતી દેખાયા બાદ ઝાંપાબજારના જે બિલ્ડિંગના ભોંયરામાંથી ડેડબોડી મળી હતી ત્યાં સુધી પગપાળા જતી દેખાઇ હતી. આ યુવાન પણ તેની આગળ પાછળ ચાલતો દેખાયો હતો. તેમજ ભોંયરામાં ગયાના એકાદ કલાક બાદ તે સીસીટીવીમાં એકલો જ દેખાતો હતો. જેથી પોલીસને તેણે જ હત્યા કરી હોવાની શંકા છે.
અગાઉ યુવતી એક યુવક સાથે બાઇક પર જતાં સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે બાઈક્સવારની પુછપરછ કરતા તેણે શબાનાને અડાજણ પાટીયા ઉતારી હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, રવિવારે વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી યુવતીની કોહવાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં યુવતીની ઓળખ શબાના જાવીદ સૈયદ ( ઉ.વ.32, રહે.માનદરવાજા, સુરત ) તરીકે થઈ હતી. તેના ભાઈએ શબાનાના કપડા અને અન્ય વસ્તુને આધારે ઓળખ કરી હતી.
શબાના ગત 10 મી જૂને સવારે ચોકબજાર એ-વન કોકોની ગલીમાં સિલ્ક હાઉસ માર્કેટ પાસે કોઈ એપાર્ટમેન્ટમાં ઘરકામ પતાવી બપોરે દોઢ વાગ્યે નીકળી હતી પણ ઘરે પહોંચી નહોતી. આ અંગે અઠવા પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા તે એક બાઈક ઉપર અજાણ્યા સાથે મક્કાઇપુલ તરફ જતી નજરે ચઢી હતી. જોકે, યુવતીની કોઈ ભાળ મળી નહોતી.
દરમિયાન ગત રવિવારે યુવતીની લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શબાનાની હત્યા માથામાં ઈજા થતા અને ગળું દબાવવાથી થઈ હોવાનો ખુલાસો થયો હતો. મહિધરપુરા પોલીસે તેના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
યુવતીની લાશ મળી ત્યારે શબાનાના શરીર પર માત્ર કુરતી હતી. કુરતી અને મૃતકના પગમાં બાંધેલ દોરા પરથી તેની ઓળખ થઈ હતી. શબાનાએ પ્રેમ લગ્ન કર્યા છે. મૃતકનો પતિ તેના વતન મહારાષ્ટ્ર ગયો હોવાથી તેની પૂછપરછ કરી શકાઇ નથી.