Surat: બે દિવસ બાદ ઝૂક્યા લકઝરી સંચાલકો, આવતીકાલથી સુરતમાં ખાનગી બસો કરશે એન્ટ્રી
Surat News: સુરત પોલીસ કમિશનર જાહેરનામા પ્રમાણે શહેરમાં બસો આવશે. લક્ઝરી એસોસિયેશન પોતાની માંગો પોલીસને લેખિતમાં આપશે.
Surat: સૌરાષ્ટ્ર અને અમદાવાદથી સુરત ખાનગી બસમાં જતાં મુસાફરો માટે રાહતના સમાચાર છે. આવતીકાલથી તમામ ખાનગી લકઝરી શહેરમાં પ્રવેશ કરશે. ટ્રાફિક જેસીપી ડી. એચ. પરમાર સાથે બસ સંચાલકોએ કરી મીટીંગ કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર જાહેરનામા પ્રમાણે શહેરમાં બસો આવશે. લક્ઝરી એસોસિયેશન પોતાની માંગો પોલીસને લેખિતમાં આપશે.
સુરતમાં વરાછાના ધારાસભ્યકુમાર કાનાણીએ પત્ર લખી પોલીસને રજૂઆત કરી હતી કે, સુરતમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારબાદ લક્ઝરી બસના 150થી વધુ માલિકોએ બેઠક કરી નિર્ણય કર્યો હતો કે, 21 ફેબ્રુઆરીથી તમામ બસ સુરત શહેરની બહારથી જ ઉપડશે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ શું કહ્યું
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું કે, લક્ઝરી બસના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે. લક્ઝરી બસ સંચાલકો શું ગોટાળા કરે છે તે મને બધી ખબર છે. હજી તો ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે, હવે RTOને પત્ર લખીશ. બસ એસોસિયેશનનો ઈરાદો છે લોકોને હેરાન કરવું. બસ સંચાલકોનો આ નિર્ણય ગેરવ્યાજબી છે. ટ્રાફિકની સમસ્યા થી છુટકારો મળે એનું ધ્યાન રાખવું જોઈએ. લોકોને અપીલ કરું છું કે બસના સમય પહેલા તૈયાર રહે. લોકો હેરાન થઈ રહ્યા છે એ માટે તંત્ર સાથે મળી બી આર ટી એસ શરૂ કરવા સૂચના આપી. છે. બસ સંચાલકોએ મુસાફરોને વાલક પાટિયા ઊતારવા માટે 200 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ. લોકોની સામે દાદાગીરી કરવા માટે આ બસ ચાલકોની આડોડાઈ છે, મેં માત્ર લોકોની માંગણી, લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો હતો. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે એજ આશય છે.
તમામ બસો સુરત બહારથી ઉપડશે અને ઉભી રહેશે
સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 21-2-2023 થી તમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 150 થી લકઝરી બસના માલિકો દ્વારા મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.
તમામ બસો વાલક પાટિયાથી ઉપડશે
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યા બાદ ખાનગી બસ ઓપરેટરોએ રોષે ભરાઈને એક મીટિંગ બોલાવી હતી. જેમાં શહેરમાં પ્રવેશવાની છૂટના સમયે પણ ખાનગી બસો શહેરમાં પ્રવેશ નહીં કરે અને 21 તારીખથી વહેલી સવારથી તમામ બસો વાલક પાટિયા ખાતે ઉભી રહી જશે અને ત્યાંથી જ ઓપરેટ થશે તેવો નિર્ણય લેવાયો હતો. મુસાફરોએ પોતાના સ્વખર્ચે બસ સુધી આવવું પડશે અને ત્યાંથી પોતાના સ્થળ પર જવું પડશે.
પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે
સુરત લકઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશનના દિનેશ અણઘણના કહેવા મુજબ, શહેરમાંથી રોજની એવરેજ 500થી વધુ ખાનગી બસો ઓપરેટ થાય છે. પ્રસંગોપાત પણ લોકો બસ બુક કરાવે છે. રેગ્યુલર બસોની સાથે પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે. તેમણે કહ્યું, ધારાસભ્ય કુમાર કાનાણીના વિસ્તારમાં અનેક દૂષણઓ છે તેની સામે નવિધો કરીને પત્ર લખ્યો નથી. બસ સસ્તી પ્રસિદ્ધી માટે ખાનગી બસોને ટાર્ગેટ કરવામાં આવે છે, જેની હાલાકી હવે સામાન્ય લોકોને પડશે.