Surat: કોરોનાએ ફરી ફૂંફાડો મારતાં તંત્ર થયું દોડતું, બે એપાર્ટમેન્ટ કરી દેવા પડ્યા સીલ
સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અઠવાના મેઘ મયુર અને અડાજણના એક એપાર્ટમાં કોરોનાના કેસ નોંદાયા છે. સુરતમાં લોકો તકેદારી રાખે. તકેદારી નહીં રાખે તો કેસોમાં વધારો થઈ શકે છે.
સુરત : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે, ત્યારે સુરતથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ આવતા એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય અડાજણ વિસ્તારમાં પણ એક એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. આ સાથે કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અઠવાના મેઘ મયુર અને અડાજણના એક એપાર્ટમાં કોરોનાના કેસ નોંદાયા છે. સુરતમાં લોકો તકેદારી રાખે. તકેદારી નહીં રાખે તો કેસોમાં વધારો થઈ શકે છે. તેમણે લોકોને માસ્ક પહેરવા સલાહ આપી છે. એક જ એપાર્ટમેન્ટમાં એકી સાથે 9 લોકોને પોઝીટીવ કેસો આવતા પાલિકા ચિંતામાં છે. સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. પાલિકા દ્વારા બંને એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યા છે. 9 લોકોના સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. એપાર્ટમેન્ટ કોઈરાન્ટાઇન કરી બે ગાર્ડ મુકવામાં આવ્યા છે.
મેઘ મયુરમાં SMCના ગાર્ડ તૈનાત કરાયા છે. બહારથી કોઈ અંદર પ્રવેશે નહીં અને એપાર્ટમેન્ટની બહાર બીજા કોઈને જવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. રાંદેર ઝોનમાં પાલની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, જે મેઘ મયુર એપાર્ટમેન્ટને સીલ મારી દેવાયું છે, તેના એ અને બી વિંગમાં 72 ફ્લેટ છે. એ વીંગમાં આઠ અને બી વીંગમાં 1 કોરોનાનો કેસ નોંધાયા છે. સૌથી પહેલા એ વીંગમાં ચાર લોકોને કોરોના થયો હતો. જેઓ પાલનપુરમાં જૈન સંવત્સરી કાર્યક્રમમથી પરત આવ્યા હતા. તમામ લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના નવા 17 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,587 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 5,24,249 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 145 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 141 નાગરિકો સ્ટેબલ છે. 8,15,587 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડ 3, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 કોરોનાનો કેસ નોંધાયો છે.
રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 43 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3818 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 69910 નાગરિકોને રસીનો પ્રથમ અને 74839 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 181572 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 194067 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,24,249 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,88,74,471 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.