ગુજરાતના આ શહેરમાં કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હશે તો જ સિટી બસમાં બેસી શકાશે
સરકારી ઓફિસો, બાગ- બગીચા, સિટી બસ, પ્રાણી સંગ્રહાલય સહિતના સ્થળોએ રસીના બે ડોઝ લીધા હશે તો જ પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદઃ અમદાવાદ પછી હવે સુરત મહાપાલિકાએ પણ વધતા કેસો વચ્ચે કેટલાક નિયંત્રણો મૂકવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાપાલિકાએ પણ પોતાના હસ્તકની સરકારી ઓફિસો, બાગ- બગીચા, સિટી બસ, પ્રાણી સંગ્રહાલય સહિતના સ્થળોએ રસીના બે ડોઝ લીધા હશે તો જ પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. જો આ સ્થળોએ પ્રવેશ કરવો હશે તો ફરજીયાત રસીનો બીજો ડોઝ લેવાનો રહેશે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે સુરત શહેરમાં બીજા ડોઝની સમય મર્યાદા વિતી જવા છતા 6 લાખ 68 હજારથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો નથી. જે પૈકી ત્રણ હજાર તો મનપાના કર્મચારીઓએ જ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. સુરત મનપા કમિશનરે રસી નહીં લેનારને જાહેર સ્થળ પર પ્રવેશ ન આપવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી સુરતમાં આ નિર્ણયની કડક અમલવારી હાથ ધરાશે.
બીજી તરફ વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બે મહિના અગાઉ બંધ કરાયેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમા ફરી 200 બેડ શરુ કરવામા આવ્યા છે. સાથે જ આગામી સમયમા હેલ્થ વર્કર્સ અને સિનિયર તબીબોને સારવારની તાલીમ આપવામાં આવશે. રાજકોટ મહાપાલિકાએ પણ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. કાલથી રાજકોટમાં બસ સ્ટેંડ, રેલવે સ્ટેશન અને એયરપોર્ટ સહિતના જાહેર સ્થળોએ સ્ક્રીનીંગ અને એંટિજન ટેસ્ટ શરૂ કરાશે. બહારથી આવતા મુસાફરોના કોરોના ટેસ્ટ કર્યા બાદ જ શહેરમાં પ્રવેશ અપાશે. હાલ રાજકોટમાં તો કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં છે પરંતુ સંક્રમણ ન વકરે તે માટે તકેદારીના ભાગરૂપે મનપા પ્રશાસને આ નિર્ણય કર્યો છે.