કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
રસોઈ બનાવતી માતાની નજર ચૂકવી બાળક ગેલેરીમાંથી નીચે પટકાયું, સારવાર દરમિયાન નિધન

Kamrej Tragedy: કામરેજના ઉંભેળ ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
મૂળ બિહારના અને કામરેજના ઉંભેળ ગામે આવેલ રઘુનંદન રેસીડેન્સીના પાંચમા માળે રહેતા અશોક મુખિયા નોકરી પર ગયા હતા. તેમનાં પત્ની અને બે વર્ષનો પુત્ર શિવનાથ ઘરે હતા. પત્ની ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે શિવનાથ ગેલેરીમાં બેઠેલા કબૂતરોને ચણ ખવડાવી રહ્યો હતો. અચાનક એક કબૂતર ઉડી જતાં બાળક તેને પકડવા પાછળ દોડ્યો અને ગેલેરીમાંથી નીચે પટકાયો.
નીચે હાજર લોકોએ તરત જ બાળકની માતાને જાણ કરી. ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર માટે કડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જો કે, બાળકની ગંભીર હાલત જોતા સ્થાનિક હોસ્પિટલે તેને સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો. સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સાંજે ઓપરેશન કરવાનું જણાવ્યું હતું, પરંતુ ઓપરેશન થાય તે પહેલાં જ બાળકનું મોત થયું. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના માતા-પિતા માટે એક ચેતવણીરૂપ છે કે બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને ઊંચાઈવાળી જગ્યાઓ પર.
માંગરોળના તરસાડીમાં મોબાઈલના ઠપકાથી યુવતીનો આપઘાતનો પ્રયાસ
સોશિયલ મીડિયાના દુરુપયોગને કારણે માંગરોળના તરસાડીમાં એક યુવતીનો જીવ જોખમમાં મુકાયો હતો. તરસાડીમાં રહેતી અને ડોક્ટરનો અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા દ્વારા કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ ઉપરાંત તેની પાસે બીજો એક મોબાઈલ મળી આવતા પરિવારે તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલ લઈ લીધો હતો. આથી માઠું લાગી આવતા યુવતીએ આયર્નની ૧૮ જેટલી ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો અને હાલ તે કોસંબાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
યુવતીના પિતા સુરેશભાઈ વસાવાએ જણાવ્યું કે તેમણે જેમ તેમ કરીને પેટે પાટા બાંધીને દીકરીને મોટી કરી અને ભણાવી ગણાવી હતી. આજના યુવા પેઢીમાં સહનશક્તિની ઉણપ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢી કોઈની વાત સાંભળી કે સહન કરી શકતી નથી, પછી તે માં-બાપ જ કેમ ના હોય. યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, પરંતુ સદનસીબે પિતા સમયસર ઘરે આવી જતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો.
કોસંબા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે લોકોને સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાની અપીલ પણ કરી છે. આ ઘટના યુવા પેઢી અને તેમના માતા-પિતા માટે એક બોધપાઠ છે કે સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને કોઈપણ પરિસ્થિતિમાં આવેશમાં આવીને ખોટું પગલું ભરવું જોઈએ નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
