Surat: સચિન GIDCમાં દર્દનાક દુર્ઘટના,લિફ્ટ તૂટતા બે કામદારના મોત
સુરતના સચિન GIDC વિસ્તારમાં દર્દનાક દુર્ઘટના બની છે. લિફ્ટ તૂટતા બે કામદારના મોત થયા છે. જ્યારે એક કામદારની હાલત ગંભીર છે.
સુરત: સુરતના સચિન GIDC વિસ્તારમાં દર્દનાક દુર્ઘટના બની છે. લિફ્ટ તૂટતા બે કામદારના મોત થયા છે. જ્યારે એક કામદારની હાલત ગંભીર છે. મધુનંદન ડાઈંગ પ્રિન્ટિંગ મિલની લિફ્ટમાં શ્રમિકો માલ સામાનની હેરાફેરી કરી રહ્યાં હતા. આ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી.
લિફ્ટમાં કાપડનો માલ લઈ ત્રીજા માળે જઈ રહ્યા હતા. આ સમયે અચાનક બીજા માળેથી લિફ્ટ તૂટીને નીચે પટકાઈ હતી. લિફ્ટ તૂટી જતા 2 શ્રમિકોના મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. બંને મૃતકો મૂળ બિહારના રહેવાસી હતા. પ્રાથમિક તપાસ મુજબ મેઈન્ટેન્સના અભાવે લિફ્ટમાં દુર્ઘટના સર્જાઈ હતી.
આ પહેલા રાજકોટમાં પણ લિફ્ટ તૂટવાની બે અલગ અલગ ઘટનામાં 2ના મોત થયા હતા. 23 ઓગસ્ટે જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં પ્રગતિ પ્રિન્ટમાં ઈંડસ્ટ્રીયલ લિફ્ટમાં આવી જવાના કારણે એકનું મોત થયું હતું. બીજી તરફ 150 ફૂટ રીંગ રોડ પર ઈસ્કોન એબિટો એપાર્ટમેન્ટમાં લિફ્ટ અચાનક વૃદ્ધ ફસાઈ ગયા હતા. જેમને બહાર નિકળવાનો પ્રયાસ કરતા સમયે પગ લપસી જતા વૃદ્ધ નીચે પટકાયા અને તેમનું મોત થયુ હતું.
સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે નોંધાયો ગુનો
ચંદ્રયાન-3 ની સફળતા બાદ તેની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો સુરતના મિતુલ ત્રિવેદીની મુશ્કેલી વધી છે. કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે, તે પોતાને ISROનો વૈજ્ઞાનિક ગણાવતો હતો . સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલમ 468, 471, 419, 420 મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. પોલીસ કમિશનરને પણ મિતુલ ત્રિવેદીએ કોઈ પુરાવા નહીં આપતા ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. તપાસમાં ઇસરોએ આવો વ્યક્તિ તેમની સાથે નહીં હોવાનો ખુલાસો કરી આ વ્યક્તિ બનાવટી વૈજ્ઞાનિક હોવાની પુષ્ટિ કરી હતી. આ હકીકતના આધારે તેની કાર્યવાહી કરવામાં આવી છે.
ગત બુધવારે ચંદ્રયાન-3ની સફળતા બાદ સુરતના કથિત સાયન્ટીસ્ટ મિતુલ ત્રિવેદીએ પોતે ઈસરોનાં સાયન્ટિસ્ટ છે અને ચંદ્રયાન-3 ની ડિઝાઈન પોતે બનાવી હતી તેવો દાવો કરતી ઓડિઓ ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. સુરતની વ્યક્તિ આવા ખગોળીય અભિયાન સાથે જોડાયેલી હોવાનું જાણીને લોકો પણ દંગ રહી ગયા હતાં. બીજા દિવસે આ પોસ્ટ અને આ વાતો ખૂબ વાયરલ થઈ હતી. જોકે, મિતુલ ત્રિવેદીનો દાવો વાસ્તવિક્ત હોય તેવું સ્વીકારવા માટે ઘણા સવાલો અનુત્તર હતાં. તેના જવાબો મિતુલ ત્રિવેદી તરફથી મળી શક્યા નહતાં. ઇસરો અમદાવાદે ગુરુવારે મોડી સાંજે કેટલાંક માધ્યમોને તેમના પ્રશ્નોના સંદર્ભમાં પ્રત્યુત્તર આપ્યો હતો કે, આવી કોઈ વ્યક્તિ અમારી સાથે જોડાઈ નથી. આને કારણે તેમના દાવા પોકળ હોવાની આશંકા મજબૂત થઈ હતી.