વડોદરાના 17 પ્રવાસી જમ્મુ કાશ્મીરમાં ફસાયા, સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્ર સરકારને કરી રજૂઆત
Pahalgam News: તમામને વહેલા તકે સુરક્ષિત વતન લવાશે તેવી ખાતરી આપવામાં આવી છે

Pahalgam News: જમ્મુ કાશ્મીરમાં વડોદરાના 17 પ્રવાસીઓ ફસાયા હોવાની જાણકારી મળી છે. શ્રીનગરમાં કથાને લઈને વાઘોડિયા રોડના 17 લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા. તમામને વતન પરત લાવવા સાંસદ હેમાંગ જોશીની કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. તમામને વહેલા તકે સુરક્ષિત વતન લવાશે તેવી ખાતરી આપવામાં આવી છે. વાઘોડિયા રોડ વિસ્તારની લકઝરી બસ દ્વારા તમામ મુસાફરો જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. મોરારી બાપુની કથા સાંભળવા માટે મુસાફરો ગયા હતા અને પહલગામમાં આતંકી હુમલા બાદ તેઓ ફસાઈ ગયા છે.
જો કે હાલમાં આ તમામ મુસાફરો સુરક્ષિત છે અને ગુજરાત પરત લાવવા માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને રજૂઆત કરવામાં આવી છે. સાંસદે તમામ લોકોને સુરક્ષિત રીતે પરત વડોદરા લાવવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યારબાદ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી છે. પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડી દેવા માટે આદેશ આપી દીધો છે.
આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત
જમ્મુમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે. જેમાં 2 ભાવનગર અને 1 સુરતના વ્યક્તિનું મોત થયું છે. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુરતના શૈલેષ કળથિયાની અંતિમયાત્રા નીકળી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે શૈલેષ કળથિયાને શ્રદ્ધાજંલિ આપી હતી. હર્ષ સંઘવી, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, કુમાર કાનાણી પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા.
પહલગામ આતંકી હુમલાના મૃતક યતિશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમારના ભાવનગરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મિત અને યતિશ પરમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ શ્રદ્ધાજંલિ આપી હતી. પહલગામ આતંકી હુમલાને લઈને ભાવનગર અને સુરત સહિત રાજ્યભરમાં મોતનો માતમ છવાયો હતો. પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીઓની અંતિમયાત્રા નીકળી હતી. ભાવનગરના પિતા પુત્ર એવા યતિશ પરમાર અને સ્મિત પરમારની અંતિમયાત્રા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પરમાર પરિવારને સાંત્વના આપી હતી. પરિવારની મહિલાઓ કલ્પાત કરી હતી. પરિવારે ન્યાય અપાવવાની માંગણી પણ કરી હતી. આખા ભાવનગરે અશ્રૃભીની આંખે પિતા-પુત્રને અંતિમ વિદાય આપી હતી.





















