VADODARA : ગાયે શિંગડું માર્યું હતું એ યુવકની આંખ ફૂટી, પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
Vadodara News : ગત તારીખ 12 મે ના રોજ વાઘોડિયા રોડ પર રખડતી ગાયે આ યુવકને શિંગડું માર્યું હતું.
Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ પર ગાયે શિંગડું માર્યું હતું એ યુવકની આંખ ફૂટી ગઈ છે. યુવકે આજીવન એક આંખે રહેવાનો વારો આવ્યો છે. : ગત તારીખ 12 મે ના રોજ વાઘોડિયા રોડ પર રખડતી ગાયે આ યુવકને શિંગડું માર્યું હતું. ગાયે અડફેટે લેતાં યુવાનની એક આંખ ફૂટી ગઈ છે. પુત્રએ એક આંખ ગુમાવતા તેના પિતા નીતિનભાઈ પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે પાંચ દિવસે ગુનો નોંધતા પરિવારમાં આક્રોશની લાગણી જોવા મળી છે. યુવાનના પિતાએ કોર્પોરેશનના અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી, પણ પોલીસે કોર્પોરેશનના અધિકારીઓ સામે ગુનો ન નોંધ્યો. પોલીસે ગાયના અજાણ્યા માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. જો કે યુવાનના પિતાએ ચીમકી, આપી છે કે જો ન્યાય નહિ મળે તો કોર્પોરેશનમાં ભૂખ હડતાળ પર ઊતરશે અને કોર્ટના દ્વાર ખખડાવશે.
12 મે ના રોજ બની હતી ઘટના
વાઘોડિયા રોડના ક્રિષ્ના હોસ્પિટલ પાસેના રસ્તેથી પસાર થતી ગાય ડિવાઈડર પર ચડી ગઇ હતી. તેવામાં એક યુવકે ગાયને ભગવવાનો પ્રયાસ કરતા ગાયે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો, જે દૃશ્યો દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
ગોવર્ધન ટાઉનશીપ વાઘોડિયા રોડ ખાતે રહેતો પરિવાર હેનીલને આંખમાં નુકશાન થતા મુસીબતમાં મુકાયો હતો. પિતા નીતિન પટેલે પુત્રને આંખમાં ગંભીર ઇજા થતાં કોર્પોરેશન સામે કાનૂની કાર્યવાહી કરવા અને વળતર આપવા માંગ કરી હતી, તો માતા ભાવનાબેને કોર્પોરેશન તંત્રની ગંભીર બેદરકારી ગણાવી હતી. 17 વર્ષીય હેનીલ પટેલ એન્જીનીઅરિંગના પ્રથમ વર્ષમાં પરીક્ષા આપી બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.
સી આર પાટીલે મેયરને આપ્યો હતો ઠપકો
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ એ 8 મહિના પહેલા વડોદરાના મેયર કેયુર રોકડીયાને કહ્યું હતું કે ઓફિસમાં બેસી મિટિંગો બંધ કરો અને રખડતા ઢોર શહેરમાં રખડતા બંધ કરાવો પણ આજદિન સુધી શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનું સમાધાન થઈ રહ્યું નથી. તંત્ર ઢોર માલિકોને શહેર બહાર ગૌચર જમીન ફાળવતી નથી અને સમસ્યા દિવસેને દિવસસે વધતી જ જાય છે.