Gujarat Politics: ગુજરાત વિધાનસભા ફરી એક વખત થશે ખંડિત, હવે આ ધારાસભ્ય આપશે રાજીનામું
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.
Gujarat Politics: ગુજરાત વિધાનસભા ફરી એક વખત ખંડિત થઈ શકે છે. તેઓ આવતીકાલે અથવા શુક્રવારે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ ભાજપમાં જોડાશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે એફિડેવિટમાં કેટલી સંપત્તિ કરી હતી જાહેર
2022માં ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓએ સંપત્તિની માહિતી પણ આપી, હતી. વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર હોવાનું સામે આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયાની હોવાનું તેમણે ફોર્મમાં જણાવ્યું. માત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ નહિ, તેમના પત્ની પણ લખપતિ છે. તેમના પત્નીની કુલ સંપત્તિ 90 લાખ છે. સોગંધનામા મુજબ, વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2017માં 97 કરોડ 82 લાખ 51 હજાર 699ની સંપત્તિ જાહેર કરી હતી. જો કે 2017ની ચૂંટણીમાં તેમનો ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહે ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વખતે ધર્મેન્દ્રસિંહે સોગંદનામામાં 1 અબજ 11 કરોડ, 98 લાખની સંપત્તિ જાહેર કરી છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 14 કરોડ 15 લાખ 88 હજારનો વધારો થયો છે. તો તેમના માથા પર હાલ 27 કરોડનું દેવું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જંગમ મિલકત 46 કરોડ અને સ્થાવર મિલકત 64 કરોડ રૂપિયા છે. આ સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે 12.56 કરોડના વાહનો છે, જેમાં 95 કોમર્શિયલ વાહન અને 5 મોટરકાર છે.
લોકસભાની ચૂંટણીના પગલે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં ફરી એકવાર વેલકમ પાર્ટી યોજાઇ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં 20થી વધુ નેતા ભાજપમાં જોડાયા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓ કેસરીયો કર્યો હતો. કૉંગ્રેસ, AAPના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાયા. સાથે જ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, અન્ય પક્ષના પૂર્વ હોદેદારો અને વિવિધ સમાજના આગેવાનો પણ કેસરિયો કર્યાં હતા.
INDIA ગઠબંધન અંગે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘારાએ ગંભીર આરોપ મૂક્યાં છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટ્રાચારમાંથી પ્રોપર્ટી બનાવવા એકઠા થયા છે. જે ગુનાઓ કર્યા છે તેમાંથી બચવા માટે ગઠબંધન કર્યું છે.કોંગ્રેસે પોતાના પરિવારને બચાવવા માટે ગઠબંધન કરવામાં આવ્યું છે ,શંભુમેળો ભેગો થયો છે, મે મહિનામાં દેશની જનતા તેંને જવાબ આપશે,INDIA ગઠબંધન પર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે પ્રચંડ પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું કે, જે ગુનાઓ કર્યા છે તેમાંથી બચવા ગઠબંધન કર્યું છે. કૉંગ્રેસે પરિવારને બચાવવા ઇન્ડિયા પાર્ટી બનાવાય છે.