ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
વડોદરાના પાદરામાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે

વડોદરાના પાદરામાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે સહાયની જાહેરાત કરી હતી. મૃતકના પરિવારને રાજ્ય સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સરકારની સહાય જાહેરાત કરાઇ હતી. લેખક દેવલ શાસ્ત્રી મુજપુર ગંભીરા બ્રિજને લઇને જાણકારી આપી હતી.
એક સમય હતો જ્યારે બોરસદ તાલુકાના ગામડાઓને મહી નદીની પેલી તરફ જવું હોય તો વાસદ, વડોદરા, પાદરા થઇને જવું પડતું. આ સમસ્યા નિવારવા ગંભીરા બ્રિજ બન્યો હતો. આ બ્રિજ બોરસદ, પેટલાદ કે ખંભાત તાલુકાના ગામડાને પાદરા જંબુસર કે ભરુચના ગામડાના સંબંધોને જોડતો સેતુ હતો. ઠાકોર, ક્ષત્રિય અને પટેલોના સંબંધોનો સેતુ હતો. એવા અસંખ્ય પરિવાર મળશે જે આ બ્રિજ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતાં. જેમનું જીવન આ સેતુએ બદલ્યું હતું.
પાદરા શાકભાજી માટે મોટું માર્કેટ છે. આ તરફના ગામડાઓ ત્યાં શાકભાજી વેચીને રોજીરોટી મેળવતા હતા. એ બ્રિજને લીધે પાદરા જંબુસર તાલુકાના હજારો બાળકો સાયન્સ ગ્રેજ્યુએટ થઈ શક્યા. પહેલાં ફક્ત એમ એસ યુનિવર્સિટી વિકલ્પ હતો. અંગ્રેજી માધ્યમ અને એડમિશન મળવાની સમસ્યા આ બ્રિજથી દૂર થઇ હતી. ભાદરણ, બોરસદ કે વિદ્યાનગર સુધી બાળકો જતાં થયા.
હા, જ્યારે આ બ્રિજ બન્યો ત્યારે એક ભૂલ થઈ હતી. 1985માં પૂર આવ્યું અને ગંભીરા તરફનો આખો માર્ગ ધોવાઇ ગયો હતો, કારણ એટલું જ હતું કે રસ્તા નીચે ગરનાળા નાખવાનું ભૂલી ગયા હતા. આ બ્રિજ સાથે મારી અનેક યાદો હતી, જ્યારે જ્યારે મોકો મળ્યો છે ને હું એ બ્રિજ પર રખડવા ગયો છું. આ બ્રિજ વડોદરા, આણંદ અને ભરુચ જિલ્લાના માનવીય સંબંધો અને સંવેદનાનો સાક્ષી હતો. સૌરાષ્ટ્ર અને સુરત તો આ બ્રિજની બાય પ્રોડક્ટ છે, એણે તો આ માર્ગને ધમધમતો અને આસપાસના વિસ્તારોને આર્થિક રીતે સક્ષમ કર્યો હતો. આ બ્રિજથી પસાર થતી લકઝરી બસો જંબુસર પાસે આવેલા ફાટક પર મોડી રાત્રે લૂંટાતી એ ન્યૂઝ પણ હજુ યાદ છે.
લેખકઃ દેવલ શાસ્ત્રી





















