Vadodara: વડોદરામાં નશાખોરો બન્યા બેફામ, નશો કરવા માટે સ્મશાન પણ ન છોડ્યું
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં નશાખોરો એટલા બેફામ બન્યા છે કે હવે તો સ્મશાનમાં પણ ડ્રગ્સના ડોઝ લેવામાં આવે છે. માંજલપુર સ્મશાનમાં નશીલા ઇન્જેક્શનો મળી આવ્યા છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં નશાખોરો એટલા બેફામ બન્યા છે કે હવે તો સ્મશાનમાં પણ ડ્રગ્સના ડોઝ લેવામાં આવે છે. માંજલપુર સ્મશાનમાં નશીલા ઇન્જેક્શનો અને નશાની પાર્ટીનો અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા પ્રસારિત થતા પોલીસ વિભાગ અને પાલીકા એક્શનમાં આવી હતી.
ગત રોજ પાલિકાએ પાલિકા હસ્તકના રાત્રી બજારમાં થતી ડ્રગ્સ પાર્ટીના અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા પ્રદર્શિત થયા હતા ત્યાર બાદ આજે માંજલપુર વિસ્તારમાં આવેલ માંજલપુર સ્મશાનમાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચતા જોવા મળ્યું કે અહીં નાના બાળકોને દફનાવવાના સ્થળે ડ્રગ્સનો નશો કર્યા બાદ વપરાયેલા અને ફેંકાયેલા ઇન્જેક્શનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.આટલું જ નહીં શરાબની ખાલી બોટલો અને પેઇન કિલર માટે વપરાતા ઇન્જેક્શન એમ્પ્યુલસ પણ મળી આવ્યા હતા. અહીં નશાખોરો આવતા હોવાની કબૂલાત સ્થાનિક સિક્યુટી અને ટ્રસ્ટીએ પણ કરી હતી.
તો સમગ્ર અહેવાલ પ્રસારિત થતા પોલીસ દોડતી થઈ હતી અને એસ.ઓ.જીનો સ્ટાફ સહિતના અધિકારીઓ સ્મશાન ખાતે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તો પાલીકા હસ્તક રાત્રી બજાર અને સ્મશાનમાં નશાખોરીની પાર્ટીઓ સામે આવતા વિપક્ષ દ્વારા સિક્યુરીટી સામે સવાલ ઉઠાવ્યા હતા અને પાલિકાએ પણ તપાસના આદેશ આપ્યા હતા.
અરવલ્લીમાં પ્રેમ લગ્નની તાલીબાની સજા
અરવલ્લી: ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે આંતર જ્ઞાતિય લગ્ન બાબતે ભુતાવડ ગ્રામજનો દ્વારા નાઇ સમાજનો બહિષ્કાર કરી ગામમાંથી ઘર છોડી જતા રહેવાનો તાલીબાની નિર્ણય કર્યો છે. આથી નાયી સમાજના 17 જેટલા પરિવારો ગામમાંથી કાઢી મુકતા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી હતી. આખરે પોલીસ પ્રોટેક્શન સાથે નાઈ પરિવારો ગામમાં ફર્યા છે.
ભિલોડાના ભુતાવડ ગામના રહીશ અને હાલ અમદાવાદ ખાતે છેલ્લા 35 વર્ષથી કુટુંબ સાથે રહેતા સુભાષ છગનભાઈ નાયીનો પુત્ર સચિને ભુતાવડ ગામની પટેલ સમાજની દીકરી સાથે આંખ મળી જતા તેઓ બંનેએ રાજી ખુશીથી કોર્ટ મેરેજ કરી બંને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આંતરજ્ઞાતિય લગ્ન થયા હોવાથી નાયી સમાજ અને પટેલ સમાજના તમામ આગેવાનોએ બંને છોકરા છોકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને લગ્ન વિચ્છેદ માટે તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ લગ્ન વિચ્છેદ માટે બંને છોકરો અને છોકરી તૈયાર ન થતા બંને ગાંધીનગર સેક્ટર 6 ખાતે પોલીસ કચેરી હાજર થઈને સ્વરક્ષણ મેળવી પોતાની રીતે અલગ રહેતા હતા.
અંતે પટેલ સમાજ સમાજના ગ્રામના આગેવાનોએ ભુતાવડ ગામમાં ભેગા થઈ નાઈ સમાજના 17 જેટલાં પરિવારોને ગામમાંથી નીકળી જવા અને દીકરી લઇને આવો તો જ ગામમાં પ્રવેશવા દઇશું તેવો આદેશ કર્યો હતો. આમ 17 જેટલા પરિવારોને ગામ બહારબહિષ્કાર કરી કાઢી મુકતા નાયી સમાજના મહિલા અને બાળકો સહિતના પરિવારજનો એ અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીનો સહારો લઈ અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી હતી.
2 પીડિત પરિવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ એક રાત અન્ય સ્થળે વિતાવ્યા બાદ આજ રોજ પરિવારના તમામ સદસ્યોને પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં લેવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા બંને પક્ષના આગેવાનો તેમજ ગ્રામના વડીલો સાથે બેઠક યોજી હતી. આખરે મામલો થાળે પડ્યો હતો. નાઈ સમાજના 17 પરિવારો પોતાના ઘરે રહેવા લાગ્યા છે.