Vadodara News: વડોદરામાં હિટ એન્ડ રનમાં એક્ટિવાને ટક્કર મારનાર યુવકને સાંસદ રંજનબેને છોડાવ્યાની ચર્ચા
જે વીડિયો પોલીસ સ્ટેશનના સામે આવ્યા છે તેમાં કુશ પટેલને છોડાવવા ખુદ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોય તેવુ સ્પષ્ટ થઈ રહ્યું છે.
Vadodara News: બેફામ બનેલા નબીરાઓ નિરંકુશ થઈ કાર ચલાવી અકસ્માતો સર્જતાઓની હારમાળાની વચ્ચે વડોદરામાં બન્યો ચોંકાવનારો કિસ્સો. એક્ટિવા પર સવાર બે વિદ્યાર્થીઓને ટક્કર મારીને ભાગનાર કુશ પટેલ નામના નબીરાને સાંસદની દરમિયાનગીરીથી પોલીસે મુક્ત કર્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. રવિવારે ટક્કર મારી ભાગી રહેલા કુશ પટેલ નામના યુવકને ચાર કિલોમીટર પીછો કરીને સામાન્ય નાગરિકોએ પકડીને પોલીસને આપ્યો. રાત્રે આઠ વાગ્યાને 25 મિનિટે જેની ધરપકડ બતાવાઈ. તે કુશ પર ખુશ થઈને પોલીસે સવા દસ વાગ્યે તો જામીન પર મુક્ત પણ કરી દીધો.
જે વીડિયો પોલીસ સ્ટેશનના સામે આવ્યા છે તેમાં કુશ પટેલને છોડાવવા ખુદ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોય તેવુ સ્પષ્ટ થઈ રહ્યું છે. રવિવારે સાંજે સવા ચાર વાગ્યે ફતેગંજ પાસે થયેલા આ અકસ્માતમાં ઘાયલો સારવાર લઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય પહેલા તો હિટ એન્ડ રનનો એ નબીરો જેને પોલીસે નહીં પરંતુ નાગરિકોએ પકડ્યો તે કુશ પટેલને પોલીસે પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરી દીધો.
જેમને ટક્કર વાગી છે તે પૈકીનો એક દાહોદનો પુષ્કર નામનો યુવક બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ કરે છે. જ્યારે નૈમિક બામણીયા નામનો યુવક મુળ સુરેન્દ્રનગરનો છે. જે યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. ટક્કર મારી પૂરપાટ ઝડપે ભાગી રહેલો કુશ ન્યુ સમા રોડનો રહેવાસી છે અને તેની કારમાં યુવતી સહિત ત્રણ લોકો સવાર હતા. દાવો કરાયો છે કે યુવતીના લગ્ન હોવાથી કુશ તેને લક્ષ્મીવિલાસ પેલેસ પર ફોટો સેશન માટે લઈ ગયો હતો.
હિટ એન્ડ રનના આરોપીને સાંસદે દરમિયાનગીરી કરી બચાવ્યાની ચર્ચા શરૂ થતા જ ખુદ સાંસદ રંજનબેન ભટ્ટે સ્પષ્ટતા કરી છે. અકસ્માત કરનાર કુશે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કરવાની જરૂર હોવાની માનવાની સાથે આ મુદ્દે પોતાની ભૂમિકા રંજનબેન ભટ્ટે સ્પષ્ટ કરી છે. બન્ને પક્ષે સમાધાન થયુ હોવાથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવાથી દરમિયાનગીરી કર્યા હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો છે. જો કે કુશ પોતાના વિસ્તારનો હોવાથી તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાની તેમણે કબૂલાત કરી છે.