Vadodra: પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની મહેનત રંગ લાવી, જાણો દેહ વ્યાપારમાં ફસાયેલી યુવતીઓને કઈ રીતે કરાવી મુક્ત
વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સ્પામાં દરોડા પાડી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા: સમગ્ર ગુજરાતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા બંધ કરાવવા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સ્પામાં દરોડા પાડી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર પોલીસ દ્વારા સ્પા એન્ડ મસાજ સેન્ટરોનું ચેકીંગ સઘન બનાવી સ્પાની આડમાં ચાલતા કુટણખાના શોધી કાઢવામાં આવ્યાં હતાં. સ્પા સેન્ટરોના સંચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેર પોલીસને મહત્વની સફળતા મળી
વડોદરા શહેર પોલીસ કમિશન અનુપમ સિંહ ગહેલોત દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના મહિલા પીઆઈ ડૉ ભાવના પટેલની ટીમને વિશેષ કામગારી સોંપવામાં આવી હતી. દેહવ્યાપારના ધંધામાં મજબૂરીમાં ફસાયેલી યુવતીઓ ખાનગીમાં મહિલા અધિકારીઓને પોતાની આપવીતી જણાવી શકે તે માટે PI ડો. ભાવના પટેલની ટીમને વિશેષ જવાબદારી સોંપી હતી. જેમાં વડોદરા શહેર પોલીસને મહત્વની સફળતા મળી છે.
પોલીસે બાતમીના આધારે કરી હતી રેડ
વડોદરા પોલીસને બાતમી મળી હતી કે વિપુલ ગોસ્વામી નામનો શખ્સ શાંતિકુંજ સોસાયટી જુના પાદરા રોડ, વડોદરા ખાતે પોતાના આર્થિક ફાયદા માટે રાજ્ય બહારથી જરૂરીયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના ઘરમાં રાખી દેહવ્યાપાર ચલાવે છે. આ શખ્સ પુરૂષો પાસેથી યુવતી દીઠ રુપિયા 4000થી 5000 નો ભાવ લઇ આ ઘરમાં રહી દેહ વ્યાપારનો ધંધો ચલાવતો હતો. વડોદરા પોલીસે બાતમીના આધારે ઘરમાં રેડ કરતા ઉપરોકત હકીકતને સમર્થન મળ્યું હતું. જેથી સ્થળ પરથી ચાર ભોગ બનનાર યુવતીઓને ત્યાંથી મુકત કરાવી હતી. જ્યારે દેહવ્યાપારનો ધંધો ચલાવનાર આરોપી વિપુલ ગોસ્વામી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી મોહમ્મદ સૈફુદીન કમરૂદ્દીન નામનો આરોપી ઝડપાયો છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સ્પા અને મસાજ પાર્લરો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર સ્પાની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે વડોદરા પોલીસ દ્વારા મુહિમ શરૂ કરાઇ છે. દેહવ્યાપારમાં ફસાયેલી યુવતીઓને મુક્ત કરાવવા માટે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં બાતમીના આધારે અનેક જગ્યાઓ અને ઠેકાણાઓ પર રેડ કરવામાં આવી રહી છે.