(Source: ECI | ABP NEWS)
ભારત સાથેના સંબંધો તાત્કાલિક સુધારો: ટેરિફ વિવાદ વચ્ચે 19 યુએસ સાંસદોએ ટ્રમ્પ પર ભડક્યા, પત્ર લખીને કર્યા આકરા પ્રહાર
US MPs letter Trump: ભારતીય ઉત્પાદનો પર ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના પગલાંને કારણે અમેરિકામાં જ આંતરિક વિરોધ ઊભો થયો છે.

Donald Trump India: ભારત પર ઊંચા ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે તેમના પોતાના દેશમાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે, કોંગ્રેસના 19 યુએસ સાંસદોએ, જેમાં ડેબોરાહ રોસ અને રો ખન્ના મુખ્ય છે, પ્રમુખ ટ્રમ્પને એક સખત પત્ર લખીને તાત્કાલિક સંબંધો સુધારવા અને ભારત પર લાદવામાં આવેલા ટેરિફ પાછા ખેંચી લેવા વિનંતી કરી છે. સાંસદોએ ભારપૂર્વક જણાવ્યું કે ઓગસ્ટ 2025ના અંતમાં વધારવામાં આવેલા આ દંડાત્મક ટેરિફ (જેના કારણે ભારતીય માલ પર ડ્યુટી 50% સુધી વધી ગઈ છે) એ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત સાથેના સંબંધોમાં તણાવ પેદા કર્યો છે અને તે અમેરિકન ગ્રાહકો તથા સપ્લાય ચેઇનને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.
ટેરિફ વધારાથી દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ
ભારતીય ઉત્પાદનો પર ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના પગલાંને કારણે અમેરિકામાં જ આંતરિક વિરોધ ઊભો થયો છે. ભૂતપૂર્વ યુએસ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) સહિતના અનેક અધિકારીઓ દ્વારા ભારત સાથેના સંબંધોને નુકસાન પહોંચાડવા બદલ ટ્રમ્પની ટીકા કરવામાં આવી રહી છે.
આ સંજોગોમાં, કોંગ્રેસના 19 સભ્યોના એક જૂથે, જેનું નેતૃત્વ કોંગ્રેસ મહિલા ડેબોરાહ રોસ અને રો ખન્ના કરી રહ્યા હતા, તેમણે બુધવારે (8 ઓક્ટોબર, 2025) પ્રમુખ ટ્રમ્પને એક પત્ર લખીને આ મહત્ત્વપૂર્ણ ભાગીદારીને પુનઃસ્થાપિત કરવા અને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી.
સાંસદોએ પત્રમાં સ્પષ્ટતા કરી કે, "તાજેતરમાં ટેરિફ વધારાને કારણે ભારતીય માલ પર ડ્યુટી 50 ટકા સુધી વધી ગઈ છે, જેના કારણે વિશ્વના સૌથી મોટા લોકશાહી ભારત સાથેના સંબંધોમાં ગંભીર તણાવ આવ્યો છે અને બંને દેશો માટે નકારાત્મક પરિણામો આવ્યા છે."
રશિયન તેલ ખરીદીનો દંડ: 50% સુધીની ડ્યુટી
યુએસ સાંસદોએ તેમના પત્રમાં ટેરિફની વિગતવાર ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ઓગસ્ટ 2025ના અંતમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારીને 50 ટકા કર્યો." આ વધારામાં 25 ટકા પારસ્પરિક ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવાના જવાબમાં લાદવામાં આવેલી વધારાની 25 ટકા ડ્યુટીનો સમાવેશ થતો હતો.
સાંસદોએ આ દંડાત્મક ટેરિફની આર્થિક અસરો પર ભાર મૂક્યો. તેમણે લખ્યું કે આ ટેરિફ ભારતીય ઉત્પાદકો અને અમેરિકન ગ્રાહકો બંનેને નુકસાન પહોંચાડી રહ્યા છે. વળી, તેના કારણે સપ્લાય ચેઇનને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે, જેના પર અમેરિકન કંપનીઓ ઉત્પાદનોને બજારમાં લાવવા માટે આધાર રાખે છે. 19 સાંસદોએ એકી સાથે પ્રમુખ ટ્રમ્પને વિનંતી કરી કે તેઓ આ ટેરિફ નીતિ પર પુનર્વિચાર કરે અને ભારત સાથેના સંબંધોને શક્ય તેટલી વહેલી તકે સુધારે.





















