રશિયાના હુમલામાં એક દિવસમાં 2000નાં મોત, 7 દિવસમાં 10 લાખ યુક્રેનિયનો દેશ છોડીને ભાગી ગયા, રશિયાના કેટલા સૈનિક મર્યા ?
યુક્રેનની ઈમર્જન્સી સર્વિસ દ્વારા જણાવાયું છે કે, યુક્રેનમાં પ્રત્યેક કલાકે મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ તથા સુરક્ષા દળો મોતને ભેટી રહ્યા છે.
કીવઃ રશિયા અને યુક્રેનના યુધ્ધનો અંત લાવવા માટે યુક્રેન તથા રશિયા વચ્ચે પોલેન્ડમાં થોડા કલાકોમાં જ વાતચીત શરૂ થવાની છે ત્યારે રશિયા-યુક્રેનના યુધ્ધમાં તબાહીના ભયાનક આંકડા સામે આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર ફુલિપો ગ્રાંડીએ ટ્વીટ કર્યું હતુ કે, માત્ર સાત દિવસમાં જ અમે યુક્રેનનાં 10 લાખ શરણાર્થીઓને પડોશી દેશોમાં હિજરત કરતા જોયા છે. યુક્રેનની વસતી સાડા ચાર કરોડની આસપાસ છે એ જોતાં કુલ વસતીનાં બે ટકા લોકો તો યુક્રેન છોડી ભાગી ગયાં છે.
રશિયાન લશ્કરે યુક્રેનમાં બુધવારે પરિવહન સેવાઓ, હોસ્પિટલ્સ, રહેઠાણો વગેરે પર હુમલા કરીને સેંકડો સ્ટ્રક્ચર્સનો સર્વનાશ કરી દીધો હતો. આ હુમલામાં યુક્રેનના 2,000 કરતાં વધારે નાગરિકોનાં મોત થયાં છે તેમ યુક્રેનની ઈમર્જન્સી સર્વિસ દ્વારા માહિતી આપવામાં આવી છે. યુ.એન. દ્વારા મોતનો આંકડો 136 અપાયો છે પણ વાસ્તવમાં આ આંકડો બહુ વધારે હોવાનો યુક્રેનનો દાવો છે.
યુક્રેનની ઈમર્જન્સી સર્વિસ દ્વારા જણાવાયું છે કે, યુક્રેનમાં પ્રત્યેક કલાકે મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ તથા સુરક્ષા દળો મોતને ભેટી રહ્યા છે.
બીજી બાજુ યુક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે છેલ્લા છ દિવસમાં લગભગ 6000 રશિયનના યુદ્ધમાં મોત થયાં છે. રશિયાએ આ આંકડાને ખોટો ગણાવ્યો છે પણ રશિયાએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેના 498 સૈનિક માર્યા ગયા છે અને આશરે 1500 સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બંને મોરચે સતત મોતનો આંકડો વધી રહ્યો છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવ પર જોરદાર બોમ્બમારો કરી રહી છે તેથી મૃત્યુ આંક વધવાની શક્યતા છે.
આ હુમલાને પગલે વ્હાઇટ હાઉસે રશિયા અને તેના સાથી બેલારુસ સામે વધારાના પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધોમાં રશિયન ઓઈલ રિફાઈનરીઝ અને રશિયન તથા બેલારુસના લશ્કરને સહયોગ આપતી સંસ્થાઓને નિશાન બનાવાઈ છે.