Ajit Doval : ભારતના 'જેમ્સ બોન્ડ'ના એક જ દાવથી આખા પાકિસ્તાનમાં ખળભળાટ
ભારત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની સ્થિતિને ખૂબ જ સાવધાનીપૂર્વક નબળી બનાવી રહ્યું છે. ઉપરાંત અફઘાનિસ્તાનમાં ભારતની નીતિ પાકિસ્તાનને ઝાંખી પાડી રહી છે અને તે એકલું પડી રહ્યું છે.
Afghanistan Moscow Meeting: ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખાતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની એક જ ચાલે પાકિસ્તાનની ઉંઘ હરામ કરી નાખી છે. અજીત ડોભાલે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અચાનક જ 9 ફેબ્રુઆરીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. ડોભાલ અફઘાનિસ્તાન પર બહુપક્ષીય સુરક્ષા પરની બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચ્યા હતા. પાકિસ્તાનમાં ડોભાલ-પુતિનની મુલાકાતની ખૂબ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
મહત્વની વાત એ હતી કે અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાન પોતાને મસિહા માને છે. પરંતુ અફઘાનિસ્તાનને લઈને યોજાયેલી આ બેઠકમાં પાકિસ્તાને ભાગ લેવાથી અળગુ રહ્યું હતું. જેને લઈને રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભારત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની સ્થિતિને ખૂબ જ સાવધાનીપૂર્વક નબળી બનાવી રહ્યું છે. ઉપરાંત અફઘાનિસ્તાનમાં ભારતની નીતિ પાકિસ્તાનને ઝાંખી પાડી રહી છે અને તે એકલું પડી રહ્યું છે.
ભારતીય એમ્બેસીએ ટ્વીટ કરીને જણાવ્યું
NSA અજીત ડોભાલે ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. રશિયામાં ભારતીય દૂતાવાસ વતી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, NSA અજીત ડોભાલે રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણની દિશામાં કામ કરવાનું યથાવત રાખવા પર પણ સહમતિ સધાઈ હતી.
મોસ્કોમાં પાંચમી બેઠક
રશિયાએ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે મોસ્કોમાં પાંચમી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભારત, ચીન, ઈરાન, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન સહિત અન્ય ઘણા દેશોને બોલાવવામાં આવ્યા હતા. બીજી તરફ તેની વ્યૂહરચનાના ભાગરૂપે ભારતે કેન્દ્રીય બજેટમાં અફઘાનિસ્તાન માટે $25 મિલિયનની જોગવાઈ કરી છે.
દુનિયાભરના દેશોની નજર
ઉલ્લેખનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બુધવારે તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતે રશિયા પહોંચ્યા હતા. વિશ્વભરના દેશો આ બેઠક પર નજર રાખી રહ્યા છે, કારણ કે રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પણ.. અમાર પર વાત નથી થતી
પાકિસ્તાનના અગ્રણી રાજકીય વિશ્લેષક કમર ચીમા આ મામલે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા માટે પ્રાદેશિક દેશોના NSAsની આ પાંચમી બેઠક હતી. આ બેઠકમાં પાકિસ્તાનને ખુબ જ સાવચેતીપૂર્વક રીતે બહાર કરી દેવામાં આવ્યું હતું. આજે પાકિસ્તાને પોતે જ એવી સ્થિતિ સર્જી છે કે તમામ દેશો સાથે મળીને અફઘાનિસ્તાન મામલે ચર્ચા કરી રહ્યા છે પરંતુ અમારા પર નહીં. અમે અફઘાનિસ્તાનમાં મોટા હિસ્સેદાર હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
જ્યારે અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા માટે ભારતમાં પ્રથમ પ્રાદેશિક NSA બેઠક બોલાવવામાં આવી હતી, ત્યારે પણ પાકિસ્તાને તેમાં ભાગ લીધો નહોતો.