ભારતે એવો 'ફટકો' માર્યો કે પાકિસ્તાનનો આર્મી ચીફ હજીયે ડરમાં છે! કહે છે – 'ભારત અમારી વિરુદ્ધ...'
અસીમ મુનીરનો આરોપ: પહેલગામ હુમલા પછી ભારત 'પ્રોક્સી' થી પાકિસ્તાન સામે કાવતરું ઘડી રહ્યું છે; બલુચિસ્તાનમાં 17 હુમલાથી ફફડાટ!

Asim Munir Operation Sindoor: પાકિસ્તાનમાં આતંકવાદીઓ હવે ખુદ પાકિસ્તાનને જ ભરખી રહ્યા છે, ત્યારે પડોશી દેશના આર્મી ચીફ અસીમ મુનીરને આ પાછળ પણ ભારતનું જ કાવતરું દેખાય છે! એમણે ભારત પર મોટો આરોપ લગાવ્યો છે કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત 'પ્રોક્સી' દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ નવી યોજનાઓ બનાવી રહ્યું છે. અસીમ મુનીરે ફરી એકવાર જૂની વાત દોહરાવી કે યુદ્ધવિરામ અમેરિકાની દખલથી થયો હતો, જેના પછી યુદ્ધ પૂરું થયું.
ભારત તાકાત 'બમણી' કરી રહ્યું છે - અસીમ મુનીરનો ડર!
જનરલ હેડક્વાર્ટર (GHQ) માં 271 મી કોર્પ્સ કમાન્ડર્સ કોન્ફરન્સ (CCC) ની અધ્યક્ષતા કરતા પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે દાવો કર્યો કે, પહેલગામની ઘટના પછી ભારત 'ફિત્ના-અલ-ખ્વારિજ' અને 'ફિત્ના-અલ-હિન્દુસ્તાન' જેવા સંગઠનો દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પોતાની તાકાત બમણી કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જુલાઈમાં પાકિસ્તાન સરકારે પ્રતિબંધિત 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' સંગઠનનું નામ બદલીને 'ફિત્ના-અલ-ખ્વારિજ' રાખ્યું હતું. એ જ રીતે, મે 2025 માં શાહબાઝ સરકારે બલુચિસ્તાનના બધા આતંકવાદી સંગઠનોને 'ફિત્ના-અલ-હિન્દુસ્તાન' નામ આપ્યું હતું. પાકિસ્તાને આ બધા સંગઠનોને આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર ઠેરવ્યા છે.
પાકિસ્તાની અખબાર 'ડોન' ના અહેવાલ મુજબ, અસીમ મુનીરે ગર્જના કરી કે, "આપણા શહીદોનું લોહી વ્યર્થ નહીં જાય. પાકિસ્તાનના લોકોની સુરક્ષા આપણા સશસ્ત્ર દળોની સૌથી પહેલી પ્રાથમિકતા છે." આ દરમિયાન, એમણે ઈરાન, તુર્કી, અઝરબૈજાન, સાઉદી અરેબિયા ને સંયુક્ત આરબ અમીરાતની તાજેતરની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં તેઓ શાહબાઝ શરીફ સાથે ગયા હતા.
ભારતીય સેનાએ ગયા અઠવાડિયે કીધું હતું કે ચીને પાકિસ્તાનનો ઉપયોગ 'જીવંત પ્રયોગશાળા' તરીકે કર્યો છે. દર વખતની જેમ, આ વખતે પણ પાકિસ્તાને આ વાતનો ઇનકાર કર્યો હતો. એમણે કીધું કે ભારત ખોટી રીતે ત્રીજા પક્ષને રજૂ કરી રહ્યું છે જેથી એનો ફાયદો લઈ શકે. એક દિવસ પહેલા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પર પાકિસ્તાનમાં આતંકવાદનો 'માસ્ટરમાઇન્ડ' હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
અસીમ મુનીરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) એ પાકિસ્તાનમાં કુલ 17 જગ્યાએ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં ઘણા સરકારી રહેઠાણો ને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.




















