ટ્રંપના એક્શન પર જિનપિંગનો વધુ એક એટેક, ચીને અમેરિકી સામાન પર ટેરિફ વધારી 125% કર્યો
ચીને તેના દેશમાં આયાત થતા અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કરી દીધો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર લાદવામાં આવેલા 145 ટકા ટેરિફનો ચીને હવે વળતો જવાબ આપ્યો છે. ચીને તેના દેશમાં આયાત થતા અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કરી દીધો છે. આ નિર્ણય ચીન તરફથી સ્પષ્ટ સંકેત છે કે તે આ ટ્રેડ યુદ્ધમાં હવે પીછેહઠ કરવા તૈયાર નથી.
ચીનમાં અમેરિકન પ્રોડક્ટ્સ પર વધેલી ડ્યૂટી 12 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. ચીનના નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો અમેરિકા આ રીતે ચીનના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખશે તો ચીન "છેલ્લા શ્વાસ સુધી જવાબ" આપશે. ચીનના આ પગલા પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટ્રેડ યુદ્ધ હવે ગંભીર તબક્કે પહોંચી ગયું છે.
દુનિયા સાથે ટકરાઈ ન જીતી શકે ટ્રમ્પ : શી જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ સાથેની બેઠકમાં પહેલીવાર અમેરિકાની ખુલ્લેઆમ ટીકા કરી હતી. તેમણે કહ્યું, " ટ્રેડ યુદ્ધમાં કોઈ વિજેતા નથી હોતું. જે દેશ વિશ્વની વિરુદ્ધ જાય છે તે પોતાને અલગ કરી દે છે." જિનપિંગે એ પણ સ્પષ્ટ કર્યું કે ચીન કોઈના દબાણ સામે ઝૂકવાનું નથી. તેમણે યુરોપિયન યુનિયન (EU)ને અમેરિકાની આ "એકતરફી દાદાગીરી" સામે ચીનને સમર્થન આપવા અપીલ કરી હતી.
યુરોપ અને ભારત તરફથી સમર્થન માટે અપીલ
ચીને ન માત્ર યુરોપિયન યુનિયન પાસેથી સહકાર માંગ્યો, પરંતુ ભારત અને ચીન વચ્ચેના સંયુક્ત પ્રયાસો અંગે પણ ચર્ચા કરી. તેમનું માનવું છે કે જો વૈશ્વિક અર્થવ્યવસ્થાને બચાવવી હોય તો અમેરિકા સામે આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે. જિનપિંગે કહ્યું કે અમેરિકાની મનમાની માત્ર એક થઈને રોકી શકાય છે, એકલા રહીને નહીં.
ટ્રમ્પ આક્રમક વલણ અપનાવી રહ્યા છે
આ વર્ષે, ટ્રમ્પે પહેલા 10%, પછી 34%, પછી 50% અને હવે કુલ 145% ટેરિફ લાદ્યા. વ્હાઇટ હાઉસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આમાં ચીન પર પહેલેથી જ લાદવામાં આવેલ 20% ફેન્ટાનાઇલ સંબંધિત ટેરિફનો સમાવેશ થાય છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આ સ્તરે ટેરિફ માટે કોઈ આર્થિક વાજબીપણું નથી કારણ કે યુએસ ઉત્પાદનો હવે ચીનના બજારમાં વેચવા યોગ્ય રહેશે નહીં.

