China: મોત સાથે મમત! ચીનમાં યુવાનો સામે ચાલી પોતાને કરે છે કોરોના સંક્રમિત
હકીકતે તો ચીનની મોટી વસ્તી એવી છે કે જેને હજી સુધી રસી જ મળી નથી. આ સ્થિતિમાં હવે ચીનમાં ઘણા યુવાનોનું માનવું છે કે જો તેમને એકવાર ચેપ લાગે છે, તો તેમનામાં એન્ટિબોડીઝ બનશે.
China Coronavirus: ચીનમાં એકતરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને અનેક લોકોના મોત નિપજી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ યુવાનો પોતાની જાતને સામે ચાલીને કોરોના વાયરસથી જાણીજોઈને સંક્રમિત કરી રહ્યા છે. આમ કરવા પાછળનું કારણ ચીનની જીનપિંગ સરકારનો અણધડ વહિવટ છે.
હકીકતે તો ચીનની મોટી વસ્તી એવી છે કે જેને હજી સુધી રસી જ મળી નથી. આ સ્થિતિમાં હવે ચીનમાં ઘણા યુવાનોનું માનવું છે કે જો તેમને એકવાર ચેપ લાગે છે, તો તેમનામાં એન્ટિબોડીઝ બનશે. જેના કારણે તેઓ ફરીથી ચેપથી સુરક્ષિત બની જશે. તેથી જ તેઓ સામે ચાલીને પોતાની જાતને કોરોનાથી સંક્રમિત કરી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શાંઘાઈમાં 27 વર્ષીય કોમ્પ્યુટર કોડરે જણાવ્યું હતું કે, તેણે પોતાને કોરોના વાયરસથી સંક્રમિત કર્યો કારણ કે તેને વિશ્વાસ હતો કે તે તેમાંથી સ્વસ્થ થઈ જશે અને ત્યાર બાદ વેકેશન દરમિયાન તે કોરોના પોઝિટિવ નહીં આવે. કોડરે કહ્યું હતું કે, તેને હજી સુધી કોરોનાની રસી મળી નથી. કોરોનાને કારણે તે પોતાનો પ્લાન બદલવા માંગતો નથી. તેણે કહ્યું હતું કે, એકવાર સંક્રમિત થયા બાદ તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને તેને ફરીથી કોરોનાનો ચેપ નહીં લાગે.
મહિલા કોવિડ પોઝિટિવ મિત્રને મળવા આવી
શાંઘાઈની એક 26 વર્ષીય મહિલાએ બીબીસીને જણાવ્યું હતું કે, તે કોવિડ પોઝિટિવ તેના મિત્રને મળવા ગઈ હતી જેથી તેને ચેપ લાગી શકે. તેણે કહ્યું હતું કે, તેને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગ્યો હતો અને તેને રિકવર થવું મુશ્કેલ હતું. તેણે કહ્યું હતું કે, તે શરદી થવા જેવું છે પરંતુ તેનાથી ઘણું વધારે ખતરનાક છે.
લોકોમાં કોરોનાનો ડર ઘટી રહ્યો છે
આ સાથે ઉત્તરી ઝેજિયાંગ પ્રાંતના જિયાક્સિંગમાં રહેતી 29 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે, તે સરહદ ખોલવાથી ખુશ છે. તેણે કહ્યું હતું કે, તે ફરી એકવાર ચીનના અન્ય વિસ્તારોમાં ફરવા માંગે છે. તે કોરોનાથી ડરતી નથી પરંતુ તે નથી ઈચ્છતી કે સૌકોઈ એક સાથે બીમાર પડે.
ચીનમાં કોરોનાની સ્થિતિ
ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલોમાં કે સ્મશાનગૃહમાં જગ્યા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ચીનમાં એક સપ્તાહમાં કોરોનાના નવા કેસમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે કોરોનાના 2.18 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.