ચીનમાં ચામાચીડિયામાં કોરોના વાયરસનો નવો પ્રકાર મળ્યો, જાણો વિગતે
દક્ષિણ-પશ્ચિમી ચીનમાં તેમને અભ્યાસ કરતાં ચામાચિડિયાઓમાં કેટલા પ્રકારના કોરોના વાયરસ હોય અને તે કેટલા લોકોમાં ફેલાઇ શકે તેની માહિતી મળી છે
કોરોના વાયરસ ક્યાંથી ઉદભવ્યો તેનું હજું કોઈ ચોકક્સ કારણ સામે આવ્યું નથી ત્યારે કોરોના વાયરસના ઉદભવ બાબતે નવેસરથી તપાસ કરવાની માગણી થઇ રહી છે. આ દરમિયાન ચીની વિજ્ઞાાનીઓએ એક અભ્યાસમાં તેમને ચામાચિડિયામાં નવા પ્રકારના કોરોના વાયરસના નમૂના મળ્યા હોવાનું જણાવ્યું છે. ચામાચિડિયામાંથી મળેલા નવા કોરોના વાયરસના નમૂનાઓમાં એક એવો વાયરસ પણ છે જે જેનેટિક બંધારણની નજરે કોરોના વાયરસની સાવ નજીક છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમી ચીનમાં તેમને અભ્યાસ કરતાં ચામાચિડિયાઓમાં કેટલા પ્રકારના કોરોના વાયરસ હોય અને તે કેટલા લોકોમાં ફેલાઇ શકે તેની માહિતી મળી છે. તેમણે જણાવ્યું હતું કે અમે ચામાચિડિયાઓની વિવિધ પ્રજાતિઓમાંથી 24 નવા કોરોના વાયરસ જિનોમ મેળવ્યા છે જેમાં ચાર વાયરસના જિનોમ સાર્સ કોવ-2ને મળતાં આવે છે.
ક્યારે લેવામાં આવ્યા હતા નમૂના
આ નમૂના મે 2019 અને નવેમ્બર 2020 દરમ્યાન નાના જંગલોમાં રહેતા ચામાચિડિયામાંથી મેળવવામાં આવ્યા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે તેમણે ચામાચિડિયાના મોંમાંથી સ્વાબ લેવા ઉપરાંત તેમના મળ-મૂત્રનું પણ પરિક્ષણ કર્યું હતું. ચીની સંશોધકોએ જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારી જેને કારણે ફેલાઇ છે તે કોરોના વાયરસના સમાન જિનોમ ધરાવતો એક કોરોના વાયરસ મળ્યો છે. સ્પાઇક પ્રોટીનમાં રહેલાં જિનોમ સિકવન્સના અંતરને બાદ કરતાં આ વાયરસ સાર્સ કોવ-2ને ખૂબ મળતો આવે છે. આ પરિણામ દર્શાવે છ કે સાર્સ કોવ-2 થી એકદમ નજીકા વાયરસ ચામાચિડિયાની વસ્તીમાં ફેલાતા રહે છે અને અમુક વિસ્તારોમાં તેના વધારે વેરીઅન્ટસ પણ હોઇ શકે છે. કોરોના મહામારીને દોઢ વર્ષ થવા છતાં તેની ઉત્પતિનું રહસ્ય હજી અકબંધ જ છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,32,062 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3303 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 94 લાખ 39 હજાર 989
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 80 લાખ 43 હજાર 446
- એક્ટિવ કેસઃ 10 લાખ 26 હજાર 159
- કુલ મૃત્યુઆંકઃ 3,70,384