(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: ચીનમાં કોરોના બેકાબૂ, જાપાન અને અમેરિકામાં પણ વધ્યા કેસ, જાણો ભારતમાં શું છે સ્થિતિ?
ચીન, જાપાન, અમેરિકામાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં મંગળવારે લગભગ 3 હજાર નવા કેસ નોંધાઇ રહ્યા છે.
Corona Outbreak Update: ચીનમાં ફરી એકવાર કોરોનાનો કહેર શરૂ થયો છે. ચીનની હોસ્પિટલોમાં બેડ અને દવાઓની અછત છે. મૃતદેહો માટે સ્મશાનમાં જગ્યા બચી નથી. ચીનની સાથે સાથે જાપાન અને અમેરિકામાં પણ કોરોનાના કારણે સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ચીન અને જાપાનમાં સર્જાયેલી આ ગંભીર સ્થિતિ ભારત માટે પણ ખતરનાક છે.
કોરોનાના વધતા કેસો બાદ ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ચીન અને યુ.એસ.માં કોવિડ-19ના કેસોમાં તાજેતરના વધારો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા બુધવારે (21 ડિસેમ્બર) કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.
આરોગ્ય મંત્રાલયે નવી એડવાઈઝરી જાહેર કરી
તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રીઓ બુધવારે સવારે 11 વાગ્યે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક કરશે. અગાઉ મંગળવારે આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી હતી કે વાયરસના નવા વેરિઅન્ટ પર દેખરેખ રાખવા માટે જીનોમ સિક્વન્સિંગ વધારવા આગ્રહ કર્યો હતો.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે દેશમાં વાયરસના નવા વેરિઅન્ટોને સમયસર શોધવામાં સક્ષમ બનાવશે અને જરૂરી જાહેર આરોગ્ય પગલાં સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે દેશમાં સાપ્તાહિક ધોરણે લગભગ 1,200 કેસ નોંધાઈ રહ્યા છે.
ચીન, જાપાન, અમેરિકામાં કેસ વધ્યા
ચીન, જાપાન, અમેરિકામાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં મંગળવારે લગભગ 3 હજાર નવા કેસ નોંધાયા છે. જાપાનમાં મંગળવારે 1 લાખ 85 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે અને 231 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં ગત દિવસે 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને 117 લોકોના મોત થયા હતા.
ચીનની વર્તમાન સ્થિતિ પણ ચિંતાજનક છે કારણ કે 2020માં કોરોનાની શરૂઆત ચીનથી થઈ હતી. જ્યારે ભારતે ચીનથી અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યાં સુધી દેશમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા હતા. હવે ચીન અને ભારત વચ્ચે સીધી ફ્લાઈટ નથી પરંતુ હોંગકોંગ થઈને અવરજવર છે.
ચીનમાં હોસ્પિટલના બેડ ફૂલ થઇ ગયા છે. સ્મશાનમાં મૃતદેહોના ઢગલા પડ્યા છે. જમીન પર એક સાથે વીસ જેટલા મૃતદેહો દેખાય છે. મૃતદેહોને હોસ્પિટલના કોરિડોરમાં ખસેડવામાં આવ્યા. દાવો કરવામાં આવે છે કે આ સ્થિતિ ચીનની રાજધાની બેઇજિંગની છે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે હેનાન પ્રાંતના શિનજિયાંગ શહેરમાં મૃતદેહો રાખવા માટે નવી રેફ્રિજરેટેડ કેબિનેટ લગાવવામાં આવી છે, પરંતુ તેમ છતાં મૃતદેહોને જમીન પર રાખવા પડે છે કારણ કે દર કલાકે મૃતદેહો આવવાની પ્રક્રિયા ચાલુ રહે છે.
વીડિયોમાં ચીનની એક હોસ્પિટલની તસવીરો છે. જેમાં દર્દીઓ માટેના બેડ ઓછા પડ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. સ્થિતિ એવી છે કે દર્દીઓને જમીન પર જ સારવાર આપવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે ચીનમાં એન્ટિબાયોટિક્સની ભયંકર અછત છે અને સામાન્ય માણસ દવાઓ માટે ભટકી રહ્યો છે.