ભારત જેવી જ સ્થિતિ સર્જાઈ આ દેશમાં, ઓક્સિજન માટે લોકો મારી રહ્યાં છે વલખાં, ઘણાએ તો ઘરમાં જ તોડ્યો દમ
ભારતમાં એપ્રિલ મહિનામાં કોરોનાની લહેર પીક પર હતી ત્યારે ઈન્ડોનેશિયાએ ભારતને ઓક્સિજન ટેન્કરો મોકલીને મદદ કરી હતી પણ હવે ઈન્ડોનેશિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.
જકાર્તા: ભારતમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે ઓક્સિજન, બેડની અછત સર્જાઈ હતી અને લોકો રીતસરના વલખાં મારતા હતા. તેવી જ સ્થિતિ હવે ઈન્ડોનેશિયામાં સર્જાઈ છે. ઈન્ડોનેશિયામાં કોરોનાએ નવેસરથી જોર પકડ્યુ છે અને તાજેતરમાં ભારતને મદદ કરનાર આ દેશમાં હવે ઓક્સિજનના અને બીજા મેડિકલ સપ્લાયના ફાંફા પડી રહ્યા છે.ભારતની જેમ જ ઈન્ડોનેશિયાની હોસ્પિટલોમાં બેડ બચ્યા નથી અને લોકો સારવારના અભાવે ઘરમાં જ મરી રહ્યા છે.
ભારતને કરી હતી મદદ
ભારતમાં એપ્રિલ મહિનામાં કોરોનાની લહેર પીક પર હતી ત્યારે ઈન્ડોનેશિયાએ ભારતને ઓક્સિજન ટેન્કરો મોકલીને મદદ કરી હતી પણ હવે ઈન્ડોનેશિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ઈન્ડોનેશિયાની સરકારે હવે સિંગાપુર તેમજ ચીન સહિતના દેશો પાસે મદદ માંગી છે. સિંગાપુરથી 1000થી વધારે ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર અને બીજા ઉપકરણોની પહેલી ખેત ઈન્ડોનેશિયા પહોંચી છે.ઓસ્ટ્રેલિયાએ પણ 1000 વેન્ટિલેટર મોકલ્યા છે.બીજી તરફ ઈન્ડોનેશિયા સિંગાપુર પાસે 36000 ટન ઓક્સિજન અને ઓક્સિજન માટેના પ્લાન્ટ ખરીદવાની યોજના બનાવી રહ્યુ છે.
ઈન્ડોનેશિયામાં શું છે કોરોનાનું ચિત્ર
અમેરિકા તથા યુએઈએ પણ ઈન્ડોનેશિયાને મદદ કરવાની તૈયારી બતાવી છે.ઈન્ડોનેશિયામાં કોરોના સંક્રમણના 24 લાખથી વધારે કેસ છે અને 63000 લોકોના મોત થયા છે પણ આ આંકડો તેનાથી અનેક ગણો વધારે હોઈ શકે છે.અહીંયા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39000 કેસ સામે આવ્યા છે.કોરોનાના દર્દીઓનો આંકડો હજી પણ વધી શકે છે. ઈન્ડોનેશિયામાં જે મેડિકલ વર્કર્સ અને ડોકટરોનુ વેક્સીનેશન કરાયુ હતુ તે પણ ફરી સંક્રમિત થયા છે.1000 હેલ્થ વર્કર કોરોનાથી માર્યા ગયા છે.જેમાંથી ઘણા એવા હતા જેમને પહેલા વેક્સીન અપાઈ ચુકી હતી.
ભારતમાં કોરોનાના કેસ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 13મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કેસ નોંધાયા હતા ને 45,254 લોકો સાજા થયા હતા. જ્યારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે.
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 7 લાખ 95 હજાર 716
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 99 લાખ 33 હજાર 538
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 55 હજાર 033
- કુલ મોત - 4 લાખ 7 હજાર 145