શું ટ્રમ્પ ભારત પર 250% ટેરિફ લાદશે? ઇન્ટરવ્યૂમાં કર્યો મોટો ખુલાસો, કહ્યું: 'ભારત સારો ટ્રેડ પાર્ટનર નથી'
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂ અને સોશિયલ મીડિયા પર ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને ટેરિફ વધારવાની જાહેરાત કરી છે.

Donald Trump India tariff: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર કડક વલણ અપનાવ્યું છે, અને આ વખતે તેમણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભારત સારો વેપાર ભાગીદાર નથી અને તે આગામી 24 કલાકમાં ટેરિફમાં વધારો કરશે. ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકામાં દવાઓનું ઉત્પાદન વધારવાના હેતુથી તેઓ ભવિષ્યમાં ભારતમાંથી આયાત થતી દવાઓ પર 150 થી 250 ટકા જેટલો ઊંચો ટેરિફ લાદી શકે છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકામાં દવાઓની ઊંચી કિંમતોને લઈને ફાર્મા ઉદ્યોગ પર દબાણ વધી રહ્યું છે. જોકે, ભારતે અને રશિયાએ ટ્રમ્પના આ નિવેદનનો સખત વિરોધ કર્યો છે.
દવાઓ પર 250% ટેરિફની ધમકી
અમેરિકન ન્યૂઝ ચેનલ CNBC ને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, "શરૂઆતમાં અમે દવાઓ પર થોડો ટેરિફ લાદીશું, પરંતુ એક કે દોઢ વર્ષ પછી અમે તેને વધારીને 150 કે 250 ટકા કરીશું." આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે દવાઓનું ઉત્પાદન ફક્ત અમેરિકામાં જ થાય, જેથી અમેરિકામાં દવાઓની કિંમતો ઘટાડી શકાય. તેમણે તાજેતરમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર કિંમતો ઘટાડવા માટે દબાણ કર્યું છે અને જો તેમ નહીં થાય તો કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
ભારત-રશિયા વેપાર પણ કારણભૂત
ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદીને નફા માટે વેચવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભારત રશિયા-યુક્રેન યુદ્ધથી પ્રભાવિત લોકોની પરવા કરતું નથી. ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકા અને ભારતના સંબંધોમાં તણાવ વધ્યો છે. આ ધમકીઓ વચ્ચે રશિયાએ ભારતનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, દરેક સાર્વભૌમ દેશને તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને વેપાર ભાગીદારો પસંદ કરવાનો અધિકાર છે.
ભારતની આકરી પ્રતિક્રિયા
ટ્રમ્પના નિવેદન બાદ ભારતે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતને નિશાન બનાવવું "સંપૂર્ણપણે અન્યાયી" અને "બેવડા ધોરણો" નું ઉદાહરણ છે. ભારતે સ્પષ્ટ કર્યું કે, તે તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. ટ્રમ્પની આ ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા પહેલેથી જ ભારત પર 25 ટકા ટેરિફ લાદી ચૂક્યું છે, જે 7 ઑગસ્ટ, 2025 થી અમલમાં આવશે. હવે, ટ્રમ્પે વધુ 24 કલાકમાં ટેરિફ વધારવાની ધમકી આપીને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.





















