Earthquake: ભૂકંપથી દુનિયામાં અત્યાર સુધી કેટલા લોકોના થઇ ચૂક્યા છે મોત ?
નવા વર્ષના પહેલા દિવસે જાપાનમાં 7.6ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ હવે આ દેશમાં સુનામીનો ખતરો તોળાઈ રહ્યો છે
Earthquake: નવા વર્ષના પહેલા દિવસે જાપાનમાં 7.6ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ હવે આ દેશમાં સુનામીનો ખતરો તોળાઈ રહ્યો છે. સરકારી બ્રૉડકાસ્ટર NHK દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જાપાનના તોયામા શહેરમાં લગભગ 0.8 મીટર ઊંચા સુનામીના મોજાં ઉછળ્યા હોવાનું જાણવા મળ્યું છે. વળી, 1.2 મીટર ઉંચા મોજા વજીમા પૉર્ટ સાથે અથડાયા છે. ચાલો આ આર્ટિકલમાં તમને જણાવીએ કે અત્યાર સુધી દુનિયામાં ભૂકંપના કારણે કેટલા લોકોના મોત થયા છે.
1998 થી 2017 સુધીના આંકડા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 1988 થી 2017 સુધી સમગ્ર વિશ્વમાં ભૂકંપના કારણે અંદાજે 750,000 લોકોના મોત થયા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન લગભગ 125 મિલિયન લોકો ભૂકંપથી ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. જો તાજેતરના મોટા ભૂકંપની વાત કરીએ તો નેપાળનો ભૂકંપ સૌથી મોટો હતો. 3 નવેમ્બર, 2023 ના રોજ નેપાળમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપમાં 70 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
2011 વાળો ભય સતાવી રહ્યો છે
7.6ની તીવ્રતાના જોરદાર ભૂકંપ બાદ હવે જાપાનના લોકો 2011ના અકસ્માતથી ડરી રહ્યા છે. વાસ્તવમાં 11 માર્ચ 2011માં આવેલા ભૂકંપ બાદ આવેલી સુનામીએ સમગ્ર જાપાનને હચમચાવી નાખ્યું હતું. આ સુનામીમાં લગભગ 18 હજાર લોકો માર્યા ગયા હતા. આ સુનામીમાં આખું ઉત્તર-પૂર્વ જાપાન તબાહ થઈ ગયું, ઘરોથી લઈને રસ્તાઓ સુધી બધું જ નાશ પામ્યું હતુ.
દુનિયાના મોટા ધરતીકંપો
ચિલીના વાલ્ડિવિયામાં વિશ્વનો સૌથી મોટો ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા 9.5 હોવાનું કહેવાય છે. આ ભૂકંપમાં લગભગ 1655 લોકોના મોત થયા હતા. જ્યારે આ ભૂકંપના કારણે આવેલી સુનામીને કારણે હવાઈમાં 61, જાપાનમાં 138 અને ફિલિપાઈન્સમાં 32 લોકોના મોત થયા હતા. વિશ્વનો બીજો સૌથી મોટો ભૂકંપ અલાસ્કામાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 9.2 હતી. લોકોએ ત્રણ મિનિટ સુધી આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જેમાં 128 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ત્રીજો સૌથી મોટો ભૂકંપ ડિસેમ્બર 2004માં સુમાત્રા-આંદામાન ટાપુઓમાં આવ્યો હતો. જેની તીવ્રતા 9.1 હતી. આ ભૂકંપ પછી આવેલી સુનામીએ 3 લાખ લોકોના જીવ લીધા હતા.